PSIની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માંગ માટે થયેલી પિટિશન હાઈકોર્ટે ફગાવી દીધી છે. પ્રિલિમ પરીક્ષામાં મેરીટ મુજબ ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું કોર્ટે જણાવ્યું છે.
જેથી સરકારના નિર્ણયને કોર્ટે બહાલી આપી છે. અરજી મુજબ પરિણામના મેરિટમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની ફરિયાદ કરાઈ હતી. હાઈકોર્ટમાં થયેલી અરજીમાં અરજદારોએ રજૂઆત કરાઈ હતી કે, ભરતીની કુલ જગ્યાની સામે જરુરી સંખ્યામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ નથી કરાયો.
આ અરજી અંગે આજે ગુજરાત હાઈકોર્ટે પોતાના ચૂકાદો સંભળાવ્યો છે અને દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માંગ સાથે થયેલી પિટિશનને ફગાવી દીધી છે.
આ સાથે હાઈકોર્ટે સરકારના નિર્ણયને બહાલી આપી છે. કોર્ટે માન્યું છે કે, ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે. આનામત કેટેગરીમાં આવતા ઉમેદવારના મેરિટમાં સારા માર્ક્સ હોય તો એ જનરલ કેટેગરીમાં આવી શકે. જનરલ કે, બિનઅનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરીટ વાળા અનામત બેઠકના ઉમેદવાર ના સમાવી શકાય. આમ અરજદારોએ જે રજૂઆત સાથે અરજી કરી હતી તે હાઈકોર્ટે ફગાવી દીધી છે.