કોરોના મહામારીને કારણે દેશમાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. બાળકોની શાળાથી માંડીને નોકરી સુધી ઘરેથી કામ (Work from home) ચાલી રહ્યું છે. ‘વર્ક ફ્રોમ હોમ’ના વધતા ચલણની વચ્ચે નોકરીયાત લોકોના અનેક પ્રકારના ખર્ચમાં વધારો થયો છે. ઇન્ટરનેટ, ટેલિફોન, ફર્નિચર અને વીજળીના બિલ પર તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.
મોટી રાહતની આશા
કોરોના મહામારી પહેલા આ પ્રકારના ખર્ચનું ટેન્શન નહોતું. આવી સ્થિતિમાં આ વખતના બજેટમાં ‘વર્ક ફ્રોમ હોમ’ કરનારાઓને મોટી રાહત મળવાની આશા છે. છેલ્લા કેટલાક વર્ષોથી યુનિયન બજેટમાં નોકરીયાતોને સરકાર તરફથી કોઈ ખાસ રાહત આપવામાં નથી આવી. આવી સ્થિતિમાં આ વખતે તમને હોમ એલાઉન્સ (Work from home allowance)ની ભેટ મળી શકે છે.
વર્ક ફ્રોમ હોમ એલાઉન્સ આપવાની માંગ
વાસ્તવમાં, થોડા દિવસ અગાઉ ટેક્સ સેવાઓ અને નાણાકીય સેવાઓ પૂરી પાડતી કંપની Deloitte Indiaએ નોકરીયાત લોકોને વર્ક ફ્રોમ હોમ એલાઉન્સ આપવાની માંગણી કરી છે. માંગણીમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો સરકાર સીધુ આ એલાઉન્સ ન આપી શકે તો આવકવેરામાં છૂટની જોગવાઈ કરે.’ ડેલોઇટે બ્રિટનમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરનો ઉલ્લેખ કર્યો છે.
ICAIએ પણ આવી જ કરી હતી ભલામણો
Deloitte Indiaની માંગ પર જો નાણામંત્રી વિચાર કરશે તો ઘરેથી કામ કરતા કર્મચારીઓને 50 હજાર રૂપિયા સુધીનું વર્ક ફ્રોમ હોમ એલાઉન્સ મળી શકે છે. તેવી જ રીતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ પણ બજેટને લઈને સમાન ભલામણો કરી છે.
સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં થઇ શકે છે વધારો
ICAI તરફથી એવી પણ માંગ કરવામાં આવી છે કે, ટેક્સપેયર્સને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રાહત આપવા માટે લિમિટ વધારવાની જરૂર છે. હાલમાં આવકવેરા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 50 હજાર રૂપિયા છે. આને વધારીને 1 લાખ રૂપિયા કરવાની માંગ છે..