સુપરસ્ટાર પ્રતિક ગાંધી ફરી એક વખત OTT પર પોતાનો જાદુ પાથરવા આવી રહ્યા છે. આ વખતે તેઓ CBI અધિકારી સુરજ યાદવની ભૂમિકા નિભાવવાના છે. તેમની સાથે DCP સુધા ભારદ્વાજ તરીકે રિચા ચઢ્ઢા પણ છે. બન્ને સાથે મળીને છત્તીસગઢના ગૃહમંત્રીના પુત્રની હત્યાનો ભેદ ઉકેલવા નીકળ્યા છે.
જેને બે આદિવાસી છોકરીઓના દુષ્કર્મ અને હત્યા કેસમાં મળેલી મુક્તિની પાર્ટીમાં જ કોઈ વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવે છે. મામલો ગંભીર છે. પરિસ્થિતિ ભયંકર છે અને હત્યાનો છેડો આદિવાસીઓ વચ્ચે સક્રિય નક્સલવાદીઓથી બોલીવુડ સુધી ફેલાયો હોય તેવું લાગે છે.
આ ડિઝની પ્લસ હોટસ્ટારની નવી સિરીઝ ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ની વાર્તા છે. પ્રતિક અને રિચાની સાથે આશુતોષ રાણા પણ આ સિરીઝમાં ખાસ રોલમાં જોવા મળશે. નિર્દેશક તિગ્માંશુ ધુલિયાએ ર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં તેનું ટ્રેલર લોન્ચ કર્યું હતું.
આ અવસરે નિર્દેશક તિગ્માંશુ ધુલિયાએ જણાવ્યું હતું કે, OTTના આગમન સાથે, તે બધી વાર્તાઓ કહેવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે જે નિર્માતાઓ કદાચ ફિલ્મ બનાવવા માટે તૈયાર ન હોય. તેમણે એમ પણ કહ્યું કે, OTT માત્ર નવા કલાકારો જ નહીં પણ નવી વાર્તાઓ કહેવા માટે શુભ શગુન બની રહ્યું છે. તિગ્માંશુએ ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ને એક સસ્પેન્સ થ્રિલર ગણાવ્યું અને આશા વ્યક્ત કરી કે લોકો તેની પ્રશંસા કરશે.
‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ જાણીતા લેખક વિકાસ સ્વરૂપના પુસ્તક ‘સિક્સ સસ્પેક્ટ્સ’ પર આધારિત છે. વિકાસ સ્વરૂપે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ પુસ્તકના અધિકારો ખરીદવા માટે 5 વર્ષ પહેલા પ્રીતિને તેમનો પહેલો મેલ આવ્યો હતો પરંતુ તે સમયે તેમની પાસે પુસ્તકના અધિકારો નહોતા. આ અધિકારો હવે યુકે અને ચીન થઈને ભારતીય ફિલ્મ નિર્માતા પાસે ગયા છે અને આ તે છે જ્યાં તેઓ પહેલા દિવસથી હોવા જોઈએ.
અજય દેવગન ડિઝની પ્લસ હોટસ્ટારની સિરીઝ ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ સાથે નિર્માતા તરીકે પણ સંકળાયા છે. પ્રતીક ગાંધીએ આ અવસરે જણાવ્યું કે, કાયદાના નિરીક્ષક તરીકે આ પાત્ર કરવું તેમના માટે એક નવો પડકાર હતો અને તેણે સિરીઝના દિગ્દર્શક તિગ્માંશુની કસોટી પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.