સાબરકાંઠા જિલ્લો આગામી સમયમાં સફરજનની નિકાસ કરે એવું કોઇ કહેશે તો તમને નવાઇ લાગશે. પરંતુ આગામી સમયમાં આ વાત સાચી સાબિત થાય એમ છે. કેમકે હિંમતનગરના ખેડૂતે હવે સફરજનની સફળ ખેતીની શરુઆત કરી છે.
ફૂલો સાથે પવનમાં લહેરાઇ રહેલા આ ખેતરો સફરજનના ખેતર છે. હિંમતનગર તાલુકાના ચંદ્રપુરા ગામે રહેતા જીતુભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના ખેતરમાં અઢી વિઘા વિસ્તારમાં સફરજનની ખેતી કરી છે. સામાન્ય રીતે સફરજન ઠંડા પ્રદેશમાં થતું હોય છે. પરંતુ તેમણે કચ્છમાં સફરજનનું વાવેતર જોયેલું અને ત્યારબાદ તેમણે હિંમતનગરમાં પોતાના ખેતરમાં પણ સફરજનની ખેતી કરી છે. હાલમાં સફરજનનો બેસાડ સારો એવો થતા ખેડૂતો હરખાઈ રહ્યા છે.
રોડની બાજુમાં આવેલા તેમના ખેતરમાં તેમણે છેલ્લા બે વર્ષથી સફરજનના 300 જેટલા છોડનું વાવેતર કર્યું છે. ટપક સિંચાઈ પદ્ધતિ તેમણે સફરજનની ખેતી કરી રહ્યા છે ત્યારે આ સાલ મોટી સંખ્યામાં ફૂલો અને સફરજનના ફળ બેસતા ગામના અન્ય ખેડૂતો પણ હવે સફરજનની ખેતી કરવાનું વિચારી રહ્યા છે.
હાલમાં સફરજનના ફૂલો અને ફળો બેસતા મોટી સંખ્યામાં લોકો તેમની આ ખેતીને જોવા માટે તથા માહિતી મેળવવા માટે આવી રહ્યા છે. ત્યારે જીતુભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતે કાશ્મીરનું ફળ સાબરકાંઠા જિલ્લામાં વાવીને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને એક નવો રાહ ચિંધ્યો છે.