ભારતીય રિઝર્વ બેંકની મોદ્રિક નીતિ સમિતિ (MPC)એ ચાલુ વર્ષે વિકાસદર 10.5 ટકા રહેશે તેવું પૂર્વાનુમાન લગાવ્યું છે. MPCની દ્વિમાસિક બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે આ મામલે જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2021-22માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દરના અનુમાનને 10.5 ટકા પર કાયમ રાખવામાં આવ્યો છે.
પ્રથમ ત્રિમાસિક ગાળામાં 26.2 ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં 8.3 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 5.4 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 6.2 ટકા આર્થિક વૃદ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
આરબીઆઈની MPCએ વ્યાજદરોમાં કોઈ પણ જાતનો બદલાવ કર્યો નથી. કેન્દ્રીય બેંકની આ દ્વિમાસિક બેઠક એવા સમયે થઈ જ્યારે દેશભરમાં કોરોના મહામારીએ ફરી એકવાર માથું ઉચક્યું છે. જેના કારણે દેશમાં ફરી અનિશ્ચિતતાની સ્થિતિ પેદા થઈ છે.
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે, વૈશ્વિક વૃદ્ધિ દર સુસ્તીમાં છે પરંતુ અલગ-અલગ દેશોમાં એ ભિન્ન છે. વિશ્વભરમાં વેક્સિનેશનનું અભિયાન, ઉદાર મૌદ્રિક નીતિ અને પ્રોત્સાહનોના કારણે અર્થવ્યવસ્થાને બળ મળી રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ઘરેલુ અર્થવ્યવસ્થામાં વાયરસના પ્રસારને રોકવાના સાથે ઈકોનોમી રિવાઈવલ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, કેન્દ્રીય બજેટ 2021-22 નિવેશ પર આધારિત ઉપાયો મામલે વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે જ પ્રોડક્શન લિંક ઈન્સેટીવ સ્કીમનો વિસ્તાર કરવામાં આવ્યો છે.