રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં દૈનિક 3 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. સરકાર પણ કોરોનાને કાબૂમાં લેવા સક્રિય એટલા પ્રયત્ન પણ કરી રહી છે. રાજ્યમાં વેક્સિનની ઝુંબેશને પણ તેજ કરી દેવામાં આવી છે.
રાજ્ય સરકારે HCના આદેશ બાદ રિવ્યુ બેઠક બોલાવી કેટલાક મહત્વના નિર્ણય લીધા. જેમાં 20 જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું. લોકોને જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી.
તમામ શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે રાત્રી કર્ફ્યુનું યોગ્ય પાલન થાય એ માટે પોલીસને ખાસ આદેશ કરવામાં આવ્યા છે.
જેને લઈ રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે. આગામી આદેશ સુધી કોઈપણ પોલીસકર્મીને રજા મળશે નહીં. અનિવાર્ય સંજોગો સિવાય તેમની એકપણ રજા મંજૂર કરવામાં આવશે નહીં.
રાજ્યમાં કોરોનાની કપરી પરિસ્થિતિ છતા હજી કેટલાક લોકો બેદરકાર બન્યા છે. ત્યારે હવે સરકાર પણ આ મામલે કડક બની છે અને પોલીસકર્મીઓને કડકાઈથી નિયમોનું પાલન કરવાના આદેશ પણ કરવામાં આવ્યા છે.
માસ્ક ન પહેરવા બદલ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. લોકો નિયમોનું પાલન કરે એ માટે પોલીસને નરમાશથી ન વર્તવા DGPએ પોલીસને આદેશ પણ આપ્યા છે.