રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ઑફલાઈન ડિજિટલ પેમેન્ટને મંજૂરી આપવા માટે એક માળખું બહાર પાડ્યા પછી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) હવે આવા વ્યવહારોની સુવિધા માટે સિસ્ટમનું પરીક્ષણ કરી રહ્યું છે. એટલે કે ઈન્ટરનેટ વિના UPI પેમેન્ટ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે.
એક રિપોર્ટ અનુસાર, તેને UPI Lite તરીકે ઓળખવામાં આવશે. જ્યાં ઈન્ટરનેટ વિના ફીચર ફોન દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકાશે. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં, UPI લાઈટ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં 200 રૂપિયા સુધીની ઓફલાઈન ડિજિટલ ચૂકવણીઓ પ્રદાન કરી શકાય છે.
નોંધનીય છે કે RBI ગવર્નર શક્તિકાંત દાસે છેલ્લી નાણાકીય સમીક્ષા નીતિ વિશે માહિતી આપતાં જ આ યોજના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રિઝર્વ બેંક UPI આધારિત ફીચર ફોન પ્રોડક્ટ લોન્ચ કરવા માગે છે. આ સાથે RBIએ 5 જાન્યુઆરી, 2022ના રોજ જ 200 રૂપિયા સુધીની ઓફલાઈન ડિજિટલ ચૂકવણી માટે મંજૂરી આપી હતી.
રિપોર્ટ અનુસાર, ઓફલાઈન ચૂકવણી માટે પરીક્ષણ કરવામાં આવી રહેલી બે પદ્ધતિઓમાં સિમ ઓવરલે અને ઓવર-ધ-એર (OTA)નો સમાવેશ થાય છે. સિમ ઓવરલે સિમ કાર્ડની કાર્યક્ષમતામાં વધારો કરે છે જેથી તે ઈન્ટરનેટ વિના ચૂકવણી અને અન્ય સેવાઓ માટે સક્ષમ બને.
OTAએ ફોનનું જ એક કાર્ય છે જે ઉપકરણના ફર્મવેરને સીધું એક્સેસ કરવા માટેનો ઉકેલ પૂરો પાડે છે. આ સિવાય નિયર-ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC) જેવા વિકલ્પોનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. UPI લાઈટના લોન્ચ થયા પછી ઈન્ટરનેટ વિના ફીચર ફોનથી પણ ડિજિટલ પેમેન્ટ કરી શકાશે.
ચૂકવણી માટે કરવું પડશે આ કામ
પેમેન્ટ ઓપ્શનના આધારે ફીચર ફોનમાં સોફ્ટવેર અથવા સિમ અપડેટ કરવાનું રહેશે. ઑફલાઈન ડિજિટલ પેમેન્ટ માટે, વપરાશકર્તાએ વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) બનાવવું પડશે. આને સામાન્ય રીતે UPI ID તરીકે ઓળખવામાં આવે છે.