મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા એક બાદ એક ધડાધડ મંત્રીઓના રાજીનામા પડ્યા હતા. જેમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનથી લઈ શિક્ષણ મંત્રી પોખરિયાલ અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરનો પણ સમાવેશ થાય છે. જોકે, કોંગ્રેસે આ મંત્રીઓના રાજીનામાથી કંઈ નહીં થાય તેમ કહી ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ગૃહ મંત્રી અમિત શાહ સહિત નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કૃષિ મંત્રી નરેન્દ્ર મોતર અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા લેવાની માંગ કરી છે. સુરજેવાલાએ મંત્રીમંડળ વિસ્તરણ મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે, વિસ્તરણ દેશના હિત માટે નહી પરંતુ પક્ષ અને સાથી પક્ષોના હિત માટે કરવામાં આવી રહ્યું છે.
કોરોના મહામારીમાં દેશની દુર્દશા કરનાર મોદી સરકારની કામગીરીને ક્યારેય ચલાવી શકાય નહિ. મંત્રીમંડળમાં બંગાળની હારની હતાશા દૂર કરવા માટે કેટલાક પદ આપવામાં આવશે. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી પર આક્ષેપ કરતા કહ્યું કે, ગૃહમંત્રીની નિષ્ફળતાને કારણે દેશમાં નક્સલવાદ અને ઉગ્રવાદ વધી રહ્યો છે. સામાજિક સૌહાર્દ તૂટી રહ્યું છે તો ગૃહમંત્રીનું રાજીનામું લેવું જોઈએ.