એલપીજી સિલિન્ડર (LPG cylinder) ભારે હોય છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું મુશ્કેલ કામ હોય છે. મહિલાઓને આમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
ત્યારે કેન્દ્રની મોદી સરકાર હવે ટૂંક સમયમાં જ ગેસ સિલિન્ડરના વજનમાં ઘટાડો કરી શકે છે. સરકાર મહિલાઓને રાહત આપવા માટે એલપીજી સિલિન્ડરનું વજન ઘટાડવા અંગે વિચાર કરી રહી છે. LPG સિલિન્ડરનું વજન 14.2 કિલોગ્રામ હોવાથી મહિલાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી તેનું વજન ઘટાડવા સહિત વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. અગાઉ એક સભ્યએ ભારે સિલિન્ડરને કારણે મહિલાઓને પડતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો.
જેના જવાબમાં પુરીએ કહ્યું કે, ‘અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દીકરીઓ સિલિન્ડરનું ભારે વજન જાતે ઉઠાવે અને તેનું વજન ઘટાડવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.’ તેમણે કહ્યું, ‘…અમે એક રસ્તો શોધીશું, પછી ભલે તે 14.2 કિલોથી 5 કિલો સુધીનું વજન ઘટાડવાનો હોય કે અન્ય કોઈ રીતે… અમે તે કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’