જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ભદરવાહમાં ગુરુવારે સાંજે સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યા બાદ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે અને ફ્લેગ માર્ચ કરવા માટે સેનાને બોલાવવામાં આવી છે. એક મસ્જિદમાં આપવામાં આવેલા કથિત ઉશ્કેરણીજનક ભાષણ બાદ વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી. પોલીસે કથિત ઉશ્કેરણીજનક ભાષણને લઈને કેસ નોંધ્યો છે અને લોકોને કાયદો પોતાના હાથમાં ન લેવાની ચેતવણી આપી છે.
એક અધિકારીએ જણાવ્યું કે, પ્રશાસને ભદરવાહ સહિત કિશ્તવાડ, ડોડા અને રામબનમાં પણ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. સાવચેતીના પગલા તરીકે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં આયોજિત પ્રદર્શન દરમિયા કથિત ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું. ભડકાઉ ભાષણની કથિત વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેના કારણે ભદરવાહમાં કોમી તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
ભદરવાહ પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295-A અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ સ્થિતિ કાબુમાં હોવાનું અધિકારીએ જણાવ્યું છે.