આજથી ગુજરાતભરના તલાટી મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. લાંબા સમયના પડતર પ્રશ્નો સરકાર દ્વારા હલ નહીં કરાતા આજથી ગુજરાત સરકારના પંચાયત સેવાના તલાટી મંત્રીઓની રાજ્યવ્યાપી હડતાલનો પ્રારંભ થયો છે. પોતાની વિવિધ પડતર માંગોને લઇને ફરી એકવાર તલાટીઓએ ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. આ હડતાળના પગલે ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતોની કામગીરી ખોરંભે ચડી ગઇ છે.
ગુજરાત તલાટી મંત્રી મહામંડળના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યમાં 8 હજાર 500 તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તમામ પંચાયતને તાળાબંધી કરી તલાટીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરશે. તમામ કામગીરીનો બહિષ્કાર કરી રોષ વ્યક્ત કરશે. જ્યાં સુધી માંગ સ્વીકારમાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલું રહેશે. એટલું જ નહીં પંચાયતને તાળાબંધી કરી હતી અને ચાવી તંત્રને સોંપશે. તલાટીની હડતાળને પગલે ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાશે.
આ અંગે જણાવતા કચ્છ જિલ્લા મંડળના પ્રમુખ વિજયગીરી ગૌસ્વામી અને રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ બળદેવ ભાઈ પરમારે જણાવ્યું કહ્યું કે, ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા 2018થી સતત લેખિત રજૂઆત કરવા આવી રહી છે, છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી. આ અગાઉ તલાટી-મંત્રી મહામંડળે તારીખ 07/09/2021ના રોજ હડતાળનું એલાન કર્યું હતું, પરંતુ એ સમયે સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતાં હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી. જે બાંહેધરીને 9 માસ જેટલો સમય થવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહી આવતા ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તલાટીઓની હડતાળને કારણે સરકારી યોજનાઓ તેમજ જન્મ મરણના દાખલા, જમીનની નોંધ, વેરા સહિતની કામગીરી પર અસર પડશે. તલાટી મંત્રીની સહીથી નીકળતા દાખલાઓ સહિતની કામગીરી અચોક્કસ મુદત સુધી બંધ થવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટીઓએ આવેદનપત્ર પાઠવી સુત્રોચ્ચાર કર્યા હતા. તલાટીઓની હળતાળમાં મહામંત્રી અજીતસિંહ ડાભી, માજી પ્રમુખ જસવંતસિંહ સોલંકી, મીનાબેન રાવલ, અલ્પાબેન પટેલ, દેવદત પ્રજાપતિ, બળવંત પરમાર, વિકાસ દવે, બીપીન ભાઇ કડીયા સહિતના તમામ તલાટીઓ જોડાયા હતા.
રિપોર્ટઃ ધરમ ઠક્કર, ભુજ