ધ્રાંગધ્રા પંથકના ખેડુતો નર્મદા કેનાલમાથી સિંચાઇનું પાણી મળી રહે તે માટે આશરે છેલ્લા દોઢેક મહિનાથી સરકાર સામે લડત કરી રહ્યા છે અને અંતે બે દિવસથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જો કે પાણી તો છોડવામાં આવ્યું પણ કમનસિબી એવી કે નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. તો સાથે સાથે પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસા થયું હતું.
સોમવારે સવારે ધ્રાંગધ્રાની મોરબી બ્રાન્ચ કેનાલમાં ગાબડું પણ પડ્યું હતુ. જે ખેડુતો દોઢ મહિના સુધી પાણી માટે લડત ચલાવી અને નર્મદા કેનાલનું પાણી છોડતા સિંચાઇનું પાણી લેવાની તૈયારી કરતા હતા તે તમામ ખેડુતોને નર્મદા કેનાલના ગાબડું પડવાથી ખેતરોમાં પાણી ભરાયા હતા. ધ્રાંગધ્રા પંથકની મોરબી શાખા ડી-13 કેનાલમાં મસમોટુ ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ તરફ કેનાલનું પાણી જીવા, કોંઢ સહિતના ગામોના ખેતરમાં પાણી ઘુસી જતા ખેડુતો દ્વારા કરેલા વાવેતર લગભગ નિષ્ફળ થયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. જ્યારે નર્મદા કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના લીધે જ વારંવાર ગાબડા પડવાથી ખેડુતોના પાકને નુકશાન થવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો.