તંત્ર દ્વારા દરેક ગામની જનતાને પાયાની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે મસમોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ હોય છે. એવું આજે ભિલોડાના જેશીંગપુર ગામેથી સામે આવેલા દ્રશ્યો પરથી ફલિત થાય છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેશીંગપુર દામા ફળિયાના જેશીંગપુર ગામ અને જેશીંગપુરદામાં ફળિયા વચ્ચે એક નદી આવેલી છે, ત્યારે જેશીંગપુર દામાં ફળિયામાં આવેલા 50 ઘરના લોકોને અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળા-કોલેજમાં જવા માટે આ બે ગામ વચ્ચે આવેલ નદી પાર કરી જવું પડે છે. ચોમાસાના સમયે નદીમાં ભારે પાણી આવી જાય છે ત્યારે વિદ્યાર્થીઓની અવર જવર બંધ થઈ જાય છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગળના બીજા ગામમાં 10 કિલોમીટર ફરીને જવું પડે છે, જે પરવડે એમ નથી જેથી જેશીંગપુર અને જેશીંગપુર દામાં ફળિયા વચ્ચે આવેલ નદી પર પુલ બનાવવામાં આવે એવી વિદ્યાર્થીઓની માગ છે. જ્યાં સુધી કમર સુધી પાણી હોય ત્યાં સુધી વહાલીઓ વિદ્યાર્થીઓને પકડીને જોખમ ખેડી લઈ જાય છે. આ ઉપરાંત બિમારી સમયે દર્દીને હોસ્પિટલ લઈ જવા હોય કે અન્ય ખેતીવાડીને લાગતું કામકાજ હોય ત્યારે નદીમાંથી અવશ્ય પસાર થવું જ પડે છે. ત્યારે સ્થાનિકો દ્વારા જેશીંગપુર પાસે આવેલ નદી પર પુલ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.