સોમવારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે શેરબજારમાં ફરી ગભરાટ જોવા મળ્યો હતો. આ કારણે બજાર અંત સુધી શરૂઆતની તેજીને ટકાવી ન શક્યું અને કારોબારના અંતે ભારે ઘટાડા સાથે બંધ થયું.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ લગભગ 949.32 પોઈન્ટના ઘટાડા સાથે 57,000ની નીચે આવી ગયો હતો. તે તૂટીને 56,747.14ના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી પણ લગભગ 284.45 પોઈન્ટ ઘટીને 17000ની સપાટીની નીચે પહોંચીને 16,912.25 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સના તમામ 30 શેરોમાં ઘટાડો નોંધાયો
સેન્સેક્સના તમામ 30 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ઘટાડો IndusInd Bank, Bajaj Finserv, TCS અને HCL Techના શેરોમાં છે. આ તમામ શેરોમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
આ સિવાય નિફ્ટી પરના તમામ 11 સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આઈઆઈટી ઈન્ડેક્સ 2 ટકાથી વધુ નીચે કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ ઓટો, એફએમસીજી અને ફાર્મામાં પણ લગભગ 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
લીલા નિશાન પર થઈ હતી શરૂઆત
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે કારોબારની શરૂઆત લીલા નિશાન પર થઈ. સેન્સેક્સ જ્યાં 88 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ નજીવા વધારા સાથે શરૂઆત કરી હતી. સેન્સેક્સ 1.31 ટકાના વધારા સાથે 57,778.01ના સ્તર પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 12.35 પોઇન્ટ કે 0.07 ટકા વધીને 17,209.05ના સ્તર પર ખુલ્યો હતો.