અલ કાયદા દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આતંકી હુમલાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. ત્યારે 10 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે, તેવામાં તેમની ગુજરાત મુલાકાત પહેલા રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ પર છે.
એનએસજી, એસપીજી સહિતની સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ છે. મળતી માહિતી મુજબ, આતંકી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. પયગંબર મોહમ્મદના અપમાનનો બદલો લેવાની વાત કહીને અલ કાયદાએ ગુજરાત, દિલ્હી, મુંબઈ, યુપીમાં હુમલા કરવાની ધમકી આપી છે.
ત્યારે ગુજરાતનુ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. કારણ કે એક દિવસ બાદ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ 9 દિવસમાં બે વાર ગુજરાતના પ્રવાસે આવનારા છે. ત્યારે ગુજરાત પોલીસ તંત્ર માટે અલ કાયદાની આ ચેતવણી ચેલેન્જિંગ બની રહેશે. પીએમ મોદીની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
મહત્વનું છે કે પીએમ મોદીની ઉપસ્થિતિમાં 10 જૂનના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામ ખાતે સમરસતા સંમેલન કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે.