‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિને અનુરૂપ, ભારત દેશ ફરી એકવાર આર્થિક સંકટ સમયે શ્રીલંકાને મદદ કરવા આગળ આવ્યો. આ વખતે ભારતે શ્રીલંકાને આવશ્યક તબીબી પુરવઠો પૂરો પાડ્યો. કોલંબોમાં ભારતના હાઈ કમિશનર ગોપાલ બાગલેએ શુક્રવારે 1990ની સુવાસેરિયા એમ્બ્યુલન્સ સેવાને કુલ 3.3 ટન આવશ્યક તબીબી પુરવઠો સોંપ્યો.
શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું
શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કરીને લખ્યું કે, શ્રીલંકાના લોકોને વધુ એક વચન પૂરું કર્યું, વિદેશ મંત્રી એસ. જયશંકરને માર્ચ 2022માં કોલંબોમાં સુવાસેરિયા મુખ્યાલયની મુલાકાત દરમિયાન ફાઉન્ડેશન દ્વારા તબીબી પુરવઠાની વધતી જતી અછત વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. હાઈ કમિશને મહત્વપૂર્ણ જીવનરેખાને સરળતાથી ચલાવવામાં મદદ કરવા માટે આજે 3.3 ટન તબીબી પુરવઠો સોંપ્યો.
છેલ્લા બે મહિનાઓથી મદદ યથાવત
છેલ્લા બે મહિના દરમિયાન સરકાર અને ભારતના લોકો દ્વારા દાનમાં આપવામાં આવેલી 25 ટનથી વધુ દવાઓ અને તબીબી પુરવઠોની કિંમત લગભગ 37 કરોડ શ્રીલંકન રૂપિયા છે. અન્ય માનવતાવાદી સામગ્રીઓ જેમ કે, ચોખા, દૂધ પાવડર, કેરોસીન વગેરે સામગ્રી પણ પૂરી પાડવામાં આવી રહી છે.