એક તરફ કરોડોના ખર્ચે વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવે છે તો બીજી તરફ એવા પણ ગામો છે જ્યાં પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી નથી. જી હા ઘણા એવા ગામો છે જેનો વિકાસ કરવાની જરૂર છે. ત્યારે પંચમહાલમાં એવી જ એક ઘટના બની કે જેને જોઇને એમ થાય છે આ ગામના વહીવટી તંત્રએ અત્યાર સુધી કર્યું શું..
પંચમહાલના કાલોલના નાની પિંગળી ગામની દયનીય સ્થિતિ એવી છે કે વ્યક્તિના મોતનો પણ મલાજો જળવાતો નથી. કારણ કે અહીં સ્મશાનગૃહ જ નથી. ગામમાં કોઇનું મરણ થાય તો ગ્રામજનો ભારે મૂંઝાય છે કારણ કે થાય એમ કે અંતિમક્રિયા કરવી ક્યાં ? ત્યારે નાની પિંગળી ગામનો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં ગ્રામજનો તાડપત્રી ઓઢાડીને અંતિમક્રિયાની વિધિ પૂર્ણ કરતા જોવા મળ્યા. છેને ગંભીર સ્થિતિ, ટોળે વળીને તાડપત્રી પકડી રાખીને અંતિમક્રિયા કરતો વીડિયોએ ગામના ઢીલા વહીવટી તંત્રની પોલ ખોલી દીધી છે. નાની પિગળી ગામમાં વર્ષોથી સ્મશાન કે રસ્તો જ ન હોવાથી ગ્રામજનો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. મૃતકની અંતિમક્રિયાનો આ વીડિયો વાયરલ થયા બાદ પણ તંત્ર દ્વારા ઊંચા કાન કરવામાં આવતા નથી.
બે દિવસ પહેલા ગામમાં યુવકનું મોત થતા ચાલુ વરસાદે અંતિમક્રિયા કરવામાં આવી હતી જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે અહીં તંત્રને કહેવાનું એ છે કે તમે વિકાસના નામે મત લેવા દોડ્યા આવો છો તો ગામમાં આજદિન સુધી એક સ્મશાન કેમ બનાવી નથી શક્યા ?
ગ્રામજનોએ ચોમાસામાં આવી હાલાકી વેઠવાનો વારો આવે છે પણ તંત્રને કેમ નથી દેખાતી આ સમસ્યા ? વર્ષોથી ગ્રામજનો સ્મશાનની માંગ કરીને થાક્યા પણ તંત્ર ઊંચા કાન કેમ નથી કરતું ? પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવવા તમને મત આપીને ચૂંટ્યા છે પણ પ્રજા દુઃખી છે ત્યારે સત્તાધીશો કેમ ગાયબ થઇ ગયા છે ? ત્યારે હવે જોવાનું એ રહે છે કે વાયરલ વીડિયો થયા બાદ પણ તંત્ર એક્શનમાં આવે છે કે કેમ.
ભાવીન પરમાર- હાલોલ