પંજાબી ગાયક અને રાજકારણી સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં સામેલ સંતોષ જાધવની પૂણે, પંજાબ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે ગુજરાતમાંથી ધરપકડ કરી છે. જે બાદ પોલીસે સંતોષ જાધવને રવિવારે મોડી રાત્રે ડ્યુટી મેજિસ્ટ્રેટ સામે હાજર કર્યો હતો. કોર્ટે તેને 20 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. પોલીસનું માનવું છે કે સંતોષ જાધવની પૂછપરછ પછી આ હત્યાકાંડ સંબંધિત મહત્વની સાબિતી હાથ લાગી શકે છે.
એક અધિકારીએ સોમવારે આ વિશે સમગ્ર માહિતી આપી છે કે, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં બિશ્નોઈ ગેંગના સંતોષ જાધવની રવિવારે રાત્રે ગુજરાતમાંથી અટકાયત કરવામાં આવી છે અને બાદમાં તેને પોલીસ કસ્ટડીમાં મોંકલી દેવામાં આવ્યો છે.
પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના આરોપીઓને પકડવામાં લાગેલી પોલીસને મોટી સફળતા મળી છે. સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. જાધવની 2021માં પૂણે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં એક હત્યાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તે છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહ્યો હતો. શૂટર સંતોષ જાધવ અગાઉ ઓગસ્ટ 2021માં પુણેના મંચર વિસ્તારમાંથી ગુનેગાર ઓંકાર બાંખેલે ઉર્ફે રાન્યાની ઘાતકી હત્યા મુદ્દે પુણે ગ્રામીણ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા અને ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ માનસા નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારે રાજ્યમાં અન્ય ઘણા લોકો સાથે તેમની સુરક્ષા કવચ ઘટાડી દીધાના એ જ દિવસે હત્યા કરી દેવામાં આવી હતી.