આજથી ભગવાન ભોલેનાથના પ્રિય એવા શ્રાવણ નો પ્રારંભ થયો છે, ત્યારે ડભોઇ નગરમાં આવેલ વિવિધ શિવ મંદિરોમાં ભક્તો શિવ આરાધના કરતા નજરે પડયા હતા. વહેલી સવારથી જ ભક્તો શિવ મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ભક્તોએ મંદિરોમાં મહાદેવની પૂજા અર્ચના અને અભિષેક કરી શ્રાવણ માસ નિમિત્તે પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શિવ આરાધના માટેનો ઉત્તમ માસ અને ભગવાન શિવનો પ્રિય માસ એટલે શ્રાવણ માસ. ડભોઇ પંથકમાં આવેલ વિવિધ શિવાલયો જેમાં કુબેરેશ્વર, કરનાળી કુબેર ભંડારી, કાયાવારોહન લકુલીશ શિવાલય, સહિત નગરના વાઘનાથ શિવાલય, પંચેશ્વર શિવાલય સહિત વિવિધ શિવાલયો ખાતે શિવ આરાધના કરતા ભક્તો નજરે પડયા હતા.
વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં શિવાલયો ખાતે ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરો ગૂંજી ઉઠ્યા હતા. ભક્તોએ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટઃ હિતેશ જોશી, ડભોઇ