શ્રાવણ માસ ચાલુ થાય એટલે ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ જુગાર રમવા બેસી જતા હોય છે. પરંતુ પોલીસ પણ સતર્ક થઇ જતી હોય છે. ત્યારે લખતર પોલીસે શ્રાવણીયા જુગારની મોજ માણતા 4 શકુનીઓનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લખતર પોલીસ સ્ટાફના અનિકેતસિંહ સિસોદીયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે માલિકા ગામના તળાવ પાસે આવેલ શીતળા માતાજીના ઓટલા ઉપર જાહેરમાં અમુક વ્યક્તિઓ કુંડાળું વળી ગંજીપાના વડે રૂપિયાની હારજીત કરી જુગાર રમી રહ્યા છે, બાતમી વાળી જગ્યાએ કોર્ડન કરી રેડ કરતા દિનેશભાઇ કમાભાઈ વનથળા, જાયાભાઈ વેલસીભાઈ વનથળા, સંજયભાઈ લાલજીભાઈ ઘોરાળિયા અને મનસુખભાઈ કુંવરાભાઈ માલકીયાને રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત કુલ 22000 રુપિયાના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.
જે બાદ તેઓને લખતર પોલીસ સ્ટેશનમાં લાવી જુગારધારા મુજબ અનિકેતસિંહ સીસોદીયાએ ફરિયાદ નોંધાવતા તપાસ નરેન્દ્રસિંહ કાસેલા ચલાવી રહ્યા છે.
રિપોર્ટઃ વિજય જોષી, લખતર