અમદાવાદમાં આગામી 1 જુલાઈએ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. બીજી બાજુ અલ કાયદા આતંકી સંગઠન દ્વારા દિલ્હી, ગુજરાત સહિત આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે જેના પગલે ગુજરાત પોલીસ સતર્ક બની છે.
ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદમાં નીકળતી રથયાત્રાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ વખતે રથયાત્રામાં અખાડા, ટ્રક, રથ અને દરેક મુવિંગ વસ્તુ પર GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવાશે. તેમજ આકશી ડ્રોનમાં વધારો કરાશે અને આકાશી સર્વેલન્સ માટે જેટપેક ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. આ જેટપેક ડ્રોન ટ્રેઈન વ્યક્તિ દ્વારા ઉડાવવામાં આવશે અને રથયાત્રા માર્ગ પર હવાઈ નિરિક્ષણ કરવામાં આવશે.
ક્રાઈમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલીકે જણાવ્યું કે, અલકાયદાની ધમકીના કારણે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દરેક પાસાનો વિચાર કર્યા બાદ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ વખતે ખાસ જમીન અને આકાશમાંથી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એક હજારથી વધુ કેમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. આ વખતે અખાડા, રથ, ટ્રક વગેરે GPSથી કનેક્ટ થશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, પોલીસ દ્વારા ખાસ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેની અંદર સ્થાનિક અને બહારથી આવેલા પોલીસ કર્મીઓ જે સ્થળે ઉભા છે તેની આસપાસ કોઈ હિસ્ટ્રીશીટર અસામાજિક તત્વો કે કોઈ ગુનામાં સંડોવાયેલા લોકો નજીકમાં હશે તો તેની જાણ એપ્લિકેશનમાં થઈ જશે. તે સમયે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો સ્થળ પર હાજર પોલીસને તાત્કાલિક કોનો સંપર્ક કરવો તેનું એલર્ટ જશે. સામાન્ય કોન્સ્ટેબલ હોય કે IPS અધિકારી દરેકને એક સ્થળ ફાળવવામાં આવશે. જેની જગ્યાથી મૂવમેન્ટ તેમના ઉપરી અધિકારીને મળશે.