ગીર સોમનાથ જિલ્લાના ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા ગામમાં મોડી રાત્રે સાવજ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહ ગામમાં ઘુસી આવતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને સિંહને ખદેડવા હોકારો કર્યો હતો.
સિંહને ગામની બહાર કાઢવા માટે લોકો ટોર્ચ અને લાકડીઓ લઈને એકઠા થઈ ગયા હતા. આમ લોકોના ટોળા જોઈને ભયભીત થયેલો સિંહ ત્યાંથી ભાગી ગયો હતો.
ગામમાં સિંહ ઘુસ્યો હોવાની ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ પણ ગામે પહોંચી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગામમાં આવી ચઢેલા સિંહના વીડિયો ગ્રામજનો દ્વારા ઉતારવામાં આવ્યા હતા જેમાં દેખાય છે કે લોકો કઈ રીતે ટોર્ચ અને લાકડીઓ લઈને સિંહને ગામમાંથી બહાર ભગાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
જોકે આશરે 25થી 30 મિનિટ સુધી સિંહ ગામમાં આમ તેમ ભટક્યો હતો, ત્યારબાદ તે ગામની બહાર નાસી છૂટતા ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. મહત્વનું છે કે, ગીર-ગઢડા તાલુકાનું વડવિયાળા ગામ ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતું હોવાથી અહીં તથા આસપાસના વિસ્તારમાં સિંહ સહિત દીપડા અને અન્ય વન્યપ્રાણીઓ જોવા મળતા હોય છે. સિંહની સંખ્યા વધતી હોવાથી અને પાણી તથા ખોરાકની શોધવામાં સિંહ જંગલની બહાર આસપાસના વિસ્તારોમાં પહોંચી જતા હોય છે.