ગુજરાતમાં આ વર્ષે સિઝનનો સારો વરસાદ થતા રાજ્યના ઘણા જળાશયો પાણીથી ભરાઈ ગયા છે. ત્યારે મળતી માહિતી અનુસાર, રાજ્યના સૌથી મોટા જળાશય સરદાર સરોવરમાં 78.55 ટકા પાણીનો સંગ્રહ થયો છે અને રાજ્યના 53 જળાશયો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે રાહત કમિશનરે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOCની વેધર વોચ ગ્રુપની બેઠક યોજી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું કે રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે.
સાથે જ વધુ માહિતી આપતા રાહત કમિશનરે જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 262412 MCFT પાણીનો સંગ્રહ છે. જે સરદાર સરોવરની કુલ સંગ્રહ ક્ષમતાના 78.55% છે. આ સિવાય રાજયનાં 206 જળાશયોમાં 339027 MCFT પાણીનો સંગ્રહ છે જે રાજ્યના જળાશયોની કુલ ક્ષમતાના 60.74% છે. હાલમાં રાજ્યમાં 53 જળાશયો હાઈ એલર્ટ પર, 9 જળાશયો એલર્ટ પર સાથે જ 17 જળાશય વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં NDRFની કુલ 13 ટીમો તહેનાત કરવામાં આવી છે. અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ, સુરત અને વલસાડમાં એક-એક ટીમો મોકલવામાં આવી છે, જયારે નવસારીમાં 2 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.
આ વીડિયો કોન્ફરન્સમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ પણ હવામાન વિશે માહિતી આપતા કહ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પાડવાની શક્યતાઓ છે. પરંતુ આ મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવનાઓ નહિવત છે.