દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે તલ અને ગોળનું દાન કરવાની પરંપરા છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ પર મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે.
આ દિવસને સમગ્ર ભારતમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. આ સાથે મકરસંક્રાંતિના દિવસે ગોળથી બનેલી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાંથી એક છે મગફળી અને ગોળની ચિક્કી છે. જોકે હાલમાં કોરોનાકાળમાં લોકો ઈમ્યુનિટી વધરાવા પર ભાર આપી રહ્યા છે. ત્યારે આજે અમે તમને ચિક્કીઓની અલગ અલગ સરળ રેસિપી વિશે જણાવીશું.
મગફળીની ચિક્કીની જેમ ડ્રાયફ્રુટ ચિક્કીમાં પણ ઘણી સામગ્રીની જરૂર પડતી નથી. માત્ર 2થી 3 સામગ્રથી મદદથી ચિક્કી તૈયાર કરી શકાય છે. આ માટે તમારે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ સાથે ગોળની જરૂર પડશે. જેમાં તમે બદામ, કાજુ ઉમેરી શકો છો. પિસ્તા, ખસખસ, અખરોટના દાણા, કિસમિસ વગેરે પણ લઈ શકાય.
સૌપ્રથમ તમારા મનપસંદ ડ્રાય ફ્રુટ્સના નાના ટુકડા કરી લો. હવે તેને એક પેનમાં હળવા હાથે ફ્રાય કરો અને પ્લેટમાં કાઢી લો. આ ડ્રાયફ્રૂટ્સને ઘી કે તેલની મદદ વિના ડ્રાય રોસ્ટ કરો. તેથી સ્વાદ વધુ સારો રહેશે. એક તપેલીમાં ગોળના નાના-નાના ટુકડા કરી લો. પાણી અને ઘી એક સાથે મિક્સ કરી ગેસ પર મૂકો. ધ્યાન રાખો કે ગેસની ફ્લેમ ધીમી હોવી જોઈએ નહીંતર ગોળ બળી જશે.
જ્યારે ગોળ બરાબર ઓગળી જશે ત્યારે તેમાંથી પરપોટા નીકળવા લાગશે. હવે આ ગોળને ચારથી પાંચ મિનિટ પકાવો. ધ્યાન રાખો કે ગેસની ફ્લેમ સતત ધીમી રાખવી જોઈએ. હવે એક વાસણમાં થોડું પાણી લો અને તેમાં એક ટીપું ગોળ નાખો. જો ગોળ નક્કર બોલ જેવો થઈ જાય તો ગેસ બંધ કરી દો.
હવે આ ગોળમાં કાપેલા તમામ ડ્રાયફ્રુટ્સ મિશ્રિત કરી દો. સારી રીતે મિશ્રિત કર્યા બાદ ઈલાયચી પાઉડર નાખો. કોઈપણ પ્લેટમાં ઘી લગાવીને એમાં તમામ ગોળ અને ડ્રાયફ્રુટ્સને મિક્ષિત કરીને પલટી નાખો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેના પીસ પાડી લો.