ભારત સરકારે 73માં પ્રજાસત્તાક દિવસના અવસર પર પદ્મ અને પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરી. જેમાં કલા, રમત-ગમત, સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપનાર હસ્તીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં હિન્દી સિનેમાની પ્રખ્યાત અને પીઢ ગાયિકા સંધ્યા મુખર્જી ઉર્ફે સંધ્યા મુખોપાધ્યાયને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જોકે તેમણે પુરસ્કાર સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.
90 વર્ષિય સંધ્યા મુખર્જી એક પ્રખ્યાત ગાયિકા છે. તેમણે એસ.ડી. બર્મન, અનિલ બિસ્વાસ, મદન મોહન, રોશન અને સલિલ ચૌધરી સહિત અનેક સંગીત નિર્દેશકો સાથે કામ કર્યું અને ગીતો ગાયા છે. એક ખાનગી વેબસાઈટના સમાચાર પ્રમાણે, સંધ્યા મુખર્જીની પુત્રી સૌમી સેનગુપ્તાએ જણાવ્યું કે, તેમની માતાએ પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. તેઓ હવે તેને પોતાનું અપમાન માને છે.
સૌમી સેનગુપ્તાએ જણાવ્યું કે, સંધ્યા મુખર્જીએ દિલ્હીથી ફોન કરનાર વરિષ્ઠ અધિકારીને કહ્યું છે કે તેઓ ગણતંત્ર દિવસના સન્માનની યાદીમાં પદ્મશ્રીથી નવાજવા માટે તૈયાર નથી. વધુમાં સૌમી સેનગુપ્તાએ જણાવ્યું કે, લગભગ આઠ દાયકાની ગાયકી કારકિર્દી પછી 90 વર્ષની ઉંમરે પદ્મશ્રી માટે પસંદ થવું તેમના માટે અપમાનજનક છે. આ સાથે સૌમી સેનગુપ્તાએ સંધ્યા મુખર્જીના પદ્મશ્રી એવોર્ડ ન સ્વીકારવાને રાજકીય સ્વરૂપ ન આપવાની પણ અપીલ કરી છે.
તેમણે જણાવ્યું કે, પદ્મશ્રી જુનિયર કલાકાર માટે વધુ યોગ્ય છે ગીતાશ્રી સંધ્યા મુખોપાધ્યાય માટે નહીં. તેમનો પરિવાર અને તેમના ચાહકો પણ એવું જ અનુભવે છે. તેને રાજકીય સ્વરૂપ ન આપવું જોઈએ. તેઓ કોઈપણ પ્રકારની રાજનીતિથી દૂર રહે છે. તો મહેરબાની કરીને આમાં કોઈપણ પ્રકારનું રાજકીય કારણ શોધવાનો પ્રયત્ન કરશો નહીં.
તમને જણાવી દઈએ કે સંધ્યા મુખર્જીએ 60 અને 70ના દાયકામાં હજારો બંગાળી ગીતો ગાયા હતા. આ સાથે તેમણે ડઝનેક ભાષાઓમાં ગીતો ગાઈને સંગીત જગતમાં અમીટ છાપ છોડી છે. સંધ્યા મુખર્જીને 2001માં પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ‘બંગા વિભૂષણ’ તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 1970માં સંધ્યા મુખર્જીને ‘જય જયંતી’ ગીત માટે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.