આપણને બધાને મસાલેદાર જમવાનું ગમે છે. ઘણી વખત વીકેન્ડ પર અથવા જ્યારે પણ મન થાય ત્યારે આપણે ઘરે મનપસંદ વાનગી બનાવીએ છીએ. જ્યારે ઘરમાં પનીર અથવા કોઈ ખાસ શાક બનાવવામાં આવે છે, ત્યારે ચોક્કસપણે તે દિવસે બટર નાન ખાવાનું મન થાય છે. પનીર અથવા કોઈ ખાસ શાક સાથે બટર નાનનું કોમ્બિનેશન ખૂબ સારું લાગે છે. જોકે, પનીરના શાકની સાથે રોટલી, પુરી અથવા પરોઠા ખાવામા એટલો સ્વાદ નથી આવતો, જેટલો બટર નાનની સાથે આવે છે. આપણને બધાને બટર નાન ખૂબ ગમે છે, પરંતુ જ્યારે ઘરે બટર નાન બનાવવાની વાત આવે ત્યારે ગૃહિણીઓ ‘ઘરે તેવી ન બને’ તેમ કહીને રોટલી કે પછી પરોઠા બનાવી દે છે. પરંતુ આજે અમે તમને આ લેખના માધ્યમથી હોટલ જેવી જ બટર નાનની બનાવવાની રેસીપી જણાવીશું, ચાલો જાણીએ તેને બનાવવાની રીત.
સામગ્રી
– 2 કપ મેદો
– સ્વાદા અનુસાર મીઠું
– 1 નાની ચમચી ખાંડ
– 2 ચમચી તેલ
– 1/2 ટી સ્પૂન બેકિંગ પાઉડર
– 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
– હુંફાળું પાણી
– 2 ચમચી સમારેલી કોથમીર
– 2 ચમચી બટર
બનાવવાની રીત
બટર નાન બનાવવા માટે સૌથી પહેલા એક સાફ વાસણમાં 2 કપ મેંદો ચાળી લો, હવે તેમાં વચ્ચે જગ્યા કરો. તેમાં મીઠું, બેકીંગ પાવડર, ખાંડ અને તેલ ઓઇલ ઉમેરો. બધું મિક્ષ કરી લો. હવે તેમાં હુંફાળું પાણી ઉમેરો અને મેંદાને ગુંથી લો. ત્યારબાદ તેના પર ઓઇલથી કોટીંગ કરીને તેને ઢાંકીને 30 મિનિટથી 1 કલાક સુધી મુકી દો. ત્યારબાદ તેને ફરી હલકા હાથે મસળી લો.
હવે તેમાંથી 8-10 લુવા બનાવો. ત્યારબાદ એક લુવુ લઇ જરા પ્રેસ કરી તેની લંબગોળ આકરમાં વણી લો. ઉપરની બાજુએ નાન પર બારીક સમારેલી કોથમરી લગાવી દો. તેનાં પર હલકા હાથે વેલણથી વણી લ્યો. એટલે તે બરાબર સ્ટીક થઈ જાય.
હવે નાનની બીજી બાજુ થોડું પાણી લગાવી દો. જેથી તે પેનમાં ચોંટેલી રહે. પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે તેમાં નાન મૂકીને શેકાવા દો. ઉપરની સાઈડ પરપોટા થવા લાગે એટલે નીચેની સાઈડ સરસ રીતે શેકાઈ ગઈ હશે. હવે પેનને ગેસ પર ઊંધું કરીને બીજી સાઈડને પણ સરસ શેકી લો.
જો આ રીત તમને ન ફાવે તો એક બાજુથી શેકાઈ ગયા બાદ નાનને પેન પરથી કાઢી લો અને તેને ભાખરી કે રોટલીની જેમ શેકી લો. નાન શેકાય જાય એટલે ઉપરથી બટર લગાવો. તો તૈયાર છે બટર નાન.