ભારતીય ક્રિકેટર અને જામનગરના વતની રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજાએ પોતાની દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. દીકરીના પાંચમા જન્મદિન નિમિત્તે 101 દીકરીઓના પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતાદીઠ 11 હજારની રકમ જમા કરાવી હતી. આ સિવાય જે દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં તેમના માટે ફનફેરનું પણ આયોજન કર્યું હતું.
જામનગરમાં ચાંદીબજાર ખાતે આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અંગે રિવાબા જાડેજાએ જણાવ્યું કે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તેમણે દરેક સમાજની 101 દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે. લાંબા સમય સુધી દીકરી અને તેના પરિવારને યોજનાનો લાભ મળી રહે એ માટે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સામાજિક સેવા સાથે સંકળાયેલા હોવાના કારણે
પરિવારના સભ્યોના જન્મદિવસ અને લગ્ન વર્ષગાંઠની ઉજવણી જેવા પ્રસંગો સમાજસેવા અને લોક કલ્યાણના કાર્યો સાથે ઉજવણી કરતા હોય છે.