ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુન્હો નોંધાતા સરકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાની એક પરિણીતાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. વેરાવળ રેન્જના RFO હરેશ ગલચર દ્વારા અનેક વાર દુષ્કર્મ ગુજાર્યાનો પરિણીતાએ આક્ષેપ કર્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં આર.એફ.ઓને ઝડપીને જેલના હવાલે કર્યા છે.
ગીર સોમનાથના એ.એસ.પી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, આ ઘટનાની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે લાયન શૉમાં પકડાયેલ જેને છોડાવવા પીડિતાના પતિ સાથે તેઓ આરએફઓને મળ્યા હતા. જે બાદ આરએફઓએ પીડિતાનો મોબાઈલ નંબર મેળવી તેને મદદની લાલચ આપી હતી, જે મદદની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પીડિતાના કહેવા મુજબ 25 વખત બળજબરીથી ધાકધમકી આપી ફોરેસ્ટ ક્વાર્ટર અને કચેરીમાં દુષ્કર્મ આચર્યો હતો. પીડિતાના કહેવા મુજબ આરોપી RFO હરેશ ગલચર દ્વારા તેમના પતિ અને સંતાનને મારી નાખવા તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી.
એ.એસ.પી. ઓમપ્રકાશ જાટે વધુમાં જણાવ્યું હતું કે, પીડિતા દ્વારા થોડા સમય પૂર્વે પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી. ત્યારે આરોપી દ્વારા પીડિતાના પતિને સુત્રાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફીસ કરાર આધારિત નોકરી પર રાખી ફરિયાદ ના કરવા દબાણ કર્યું હતું. પરંતુ બાદમાં તેમના પતિ પગાર લેવા જતા ધમકાવી કાઢી મુક્યા હતા. હાલ તો પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ આધારે RFO ગલચર તથા આ કૃત્યમાં મદદગારી કરનાર દાનીશ અલીમહમદ પંજા, રાજ ગલચર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટઃ મિતેશ પરમાર, ગીર સોમનાથ