ગુજરાતના રાજકોટમાં એક વ્યક્તિને ફેફસાના કેન્સર હોવાનું નિદાન થયું હતું. વીમો કરાવ્યો હોવા છતાં વીમા કંપનીએ સારવારનો ખર્ચ ચૂકવવાનો ઈન્કાર કરી દીધો હતો. કંપનીનું કહેવું હતું કે પીડિત ચેઇન સ્મોકર હતો, તેથી તેને કેન્સર થયું. પીડિતે કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. હવે કન્ઝ્યુમર કમિશને વ્યક્તિને રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
રાજકોટના રહેવાસી મધુકર વોરાને ફેબ્રુઆરી 2018માં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તેમને ફેફસાના કાર્સિનોમા હોવાનું નિદાન થયું હતું. તેમની સારવાર કરવામાં આવી અને મેડિકલ ખર્ચ તરીકે 6.53 લાખ રૂપિયાનો ક્લેમ કર્યો. પરંતુ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે 30 એપ્રિલ, 2019 ના રોજ તેમના ક્લેમને એ આધાર પર નકારી કાઢ્યો કે તે ચેઇન સ્મોકર હતા.
મધુકર વોરાએ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનનો સંપર્ક કર્યો, જેમાં જાણવા મળ્યું કે સિગારેટમાં રહેલું નિકોટિન એ સિદ્ધ નશીલો પદાર્થ નથી. આ સિવાય, તે પણ સાબિત ન થયું કે મધુકર વોરાને બીમારી સિગારેટ પીવાથી થઈ હતી. કોર્ટે કહ્યું કે વીમા કંપનીએ પાયાવિહોણા વાંધાઓ ઉભા કરીને પોતાની સર્વિસમાં ચૂક કરી.
એક દિવસમાં પીતો હતો 20 સિગારેટ
વીમા કંપનીએ દલીલ કરી હતી કે, “અમને અમારી તપાસ અને હોસ્પિટલના કાગળોમાં જાણવા મળ્યું છે કે ફરિયાદી છેલ્લા 40 વર્ષથી દરરોજ લગભગ 15 થી 20 સિગારેટ પીતો હતો. આમ, પોલિસીની શરત નંબર 4.8 મુજબ, આ દાવો અસ્વીકારને પાત્ર છે.” વીમા કંપનીએ દલીલ કરી હતી કે પોલિસીની શરત જણાવે છે કે દવા/દારૂ/ડ્રગના દુરુપયોગ અથવા વ્યસનના કિસ્સામાં દાવોને નકારી શકાય છે.
20 વર્ષથી લીધી હતી આ પોલિસી
મધુકર વોરાએ 20 વર્ષથી પોલિસી લીધી હતી. તેમના વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કમિશને વીમા કંપનીને 30 દિવસમાં 6 લાખ રૂપિયા અને કાનૂની ખર્ચ પેટે 5,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.