રાજકોટ: રાજ્યના વાતાવરણમાં છાશવારે આવી રહેલ પરિવર્તનની સૌથી મોટી અસર ખેતપેદાશો પર પડી રહી છે. ચાલુ શિયાળાની સીઝનની વાત કરવામાં આવે તો કડકડતી ઠંડી વચ્ચે બેથી વધુ વખત કમોસમી માવઠુ વરસ્યુ હતું, જેના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયુ છે.
જ્યારે ગત ચોમાસાની સીઝનમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ સર્જાતા ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું હતું. તેમાંય કોરોનાના કારણે લોકડાઉન અને અન્ય પ્રતિબંધોના કારણે ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ પહેલાથી જ કથળી છે. કોરોનાકાળમાં પશુનિભાવ ખર્ચમાં સતત વદારો થતા પશુપાલકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
પશુઓ માટેનાં ખોળ – કપાસ અને લીલા ઘાસનાં ભાવમાં છેલ્લા છ મહિનામાં ભાવ ડબલ થઈ ગયા છે. ખોળ કપાસની કંપનીઓ ભાવ નિયંત્રણમાં રાખે તે માટે સરકાર પગલા લે તેવી માંગણી પશુપાલકો દ્વારા કરવામાં આવી છે. આ માટે રાજકોટની કેટલીક પશુપાલક સંસ્થાના આગેવાનો, કાર્યકરો દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.
રાજકોટ કલેક્ટરને આવેદન આપી પશુપાલકોની સમસ્યાઓ ઉકેલવા અને ખોળ-કપાસના ભાવ અંકુશમાં લેવા માંગણી કરી હતી. આપને જણાવી દઈએ કે, 50 કિલો ખોળના ભાવ 6 મહિના પહેલા જે રૂપિયા 1100ની આસપાસ હતા તે અત્યારે 2 હજારને આંબી ગયા છે. આ ઉપરાંત સુકુ ઘાસ 150 રૂપિયે મણ મળતું હતું તે હવે 100 રૂપિયાના વધારા સાથે 250થી 300 સુધી પહોંચી ગયું છે.