રાજ્યના હવામાન વિભાગે બે દિવસ પહેલા કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેને લઈ આજે ભાવનગરના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાંપટા સાથે વરસાદી માહોલ સર્જાયો છે.જિલ્લાના ત્રણ તાલુકામાં વાદળોના ગડગડાટ સાથે હળવાં ઝાંપટા તો કયાંક છાંટા વરસ્યા છે. ગારીયાધાર, પાલીતાણા, સિહોર સહિતના તાલુકામાં કમોસમી છાંટા સાથે વરસાદી માહોલ સર્જાયો છે.
રાજ્યના હવામાન વિભાગે આજથી બે દિવસ પૂર્વે આગાહી કરી હતી કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર તથા રાજસ્થાન સરહદે સાઈક્લોન જેવી સિસ્ટમને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની સંભાવના છે. ત્યારે આજરોજ સાગર તટીય જિલ્લા ભાવનગરના કેટલાક તાલુકા જેમાં ગારીયાધાર, પાલીતાણા, સિહોર અને જેસર સહિતના વિસ્તારોમાં ઢળતી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પશ્ચિમ દિશામાં વાદળો ઘેરાયા હતાં. વાદળોના ગડગડાટ અને કયાંક ક્યાક વિજળીના ચમકારા સાથે હળવો વરસાદ તો કોઈ સ્થળે છાંટા પડ્યાં હતાં.ગારીયાધારના ગ્રામીણ વિસ્તારો જેમાં સુખપર , પાંચટોપરા , માનગઢ માં મેઘરાજાનું આગમન થયું છે. ગારીયાધાર પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે.