ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર વધ્યું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ રાજ્યના 3 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
આગામી બીજા 2 દિવસમાં વરસાદનું જોર વધશે. 7 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જયારે 8 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજારાતાના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ સુરેન્દ્રનગરના વઢવાણમાં નોંધાયો છે. આ સિવાય ધ્રાંગધ્રામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે, તો બોટાદમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ઉપરાંત ઉનામાં 3.5 ઈંચ, ગઢડામાં 3.5 ઈંચ વરસાદ, મહુધામાં 3 ઈંચ, મહુવામાં 3 ઈંચ વરસાદ, લિંબડીમાં 2.5 ઈંચ, જોટાણામાં 2.5 ઈંચ વરસાદ, માતરમાં 2.5 ઈંચ, માંડલમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સુરત, ગીર ગઢડા, સુબિર અને બેચરાજીમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી છે.