વલસાડ શહેર સહિત જિલ્લામાં શુક્રવાર મધ્યરાત્રિએ મેઘસવારી આવી પહોંચી હતી. મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ જતા વીજપ્રવાહ ખોરવાયો હતો. પ્રથમ દિવસે જ વરસાદે શહેરમાં વીજ કર્મચારીઓને દોડતા કરી દીધા હતા.
વલસાડ શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી લોકોને રાહત થઈ હતી. તો બીજી બાજુ ઉનાળું પાકનું વાવેતર કરનારા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા હતા.
વલસાડ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર પામી વહેતું થયું હતું. શહેરના અનેક રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. તો વધુમાં અનેક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ જતા. પ્રીમોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા હતા.
હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં મોન્સૂનની શરૂઆત થઈ હોવાના સંકેત આપ્યા છે. એક અઠવાડિયાથી મોન્સૂને વલસાડ જિલ્લામાં દસ્તક દીધી હોવાનું વલસાડ ડિઝાસ્ટર વિભાગની ટીમે જણાવ્યું છે.