મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરામાં ગુરુવારે સાંજે આતંકવાદીઓએ તહસીલ કાર્યાલયમાં ઘૂસીને કર્મચારી રાહુલ ભટ્ટ(કાશ્મીરી પંડિત)ની હત્યા કરી હતી. તેમના અંતિમ સંસ્કાર શુક્રવારે સવારે બનતાલાબ ખાતે કરવામાં આવી રહ્યા છે. આ તકે જમ્મુના ADGP મુકેશ સિંહ, ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર અને ડેપ્યુટી કમિશનર અન્વી લવાસા પણ હાજર છે.
જણાવી દઈએ કે, રાહુલ ભટ્ટ પર હુમલામાં સામેલ બંને આતંકવાદીઓ પિસ્તોલમાંથી ગોળીઓ ચલાવીને ફરાર થઈ ગયા હતા. હુમલા બાદ આતંકીઓને શોધવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે હુમલાની જવાબદારી લીધી છે.
ચદૂરા તહસીલમાં ગુરુવારે સાંજે આતંકવાદીઓએ પીએમ પેકેજ હેઠળ નિયુક્ત કર્મચારી રાહુલ ભટ્ટને નજીકથી નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતાની સાથે જ રાહુલ ભટ્ટ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. અચાનક થયેલા ગોળીબારના કારણે ઓફિસમાં ફફડાટ ફેલાયો હતો. કર્મચારીઓ અહીં-તહીં દોડવા લાગ્યા હતા. આ દરમિયાન તકનો લાભ ઉઠાવીને આતંકીઓ ભાગી ગયા હતા. તેમના ગયા પછી ગંભીર રીતે ઘાયલ કર્મચારીને તાત્કાલિક શ્રીનગરની શ્રી મહારાજા હરિ સિંહ હોસ્પિટલ (SMHS)માં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે દમ તોડ્યો હતો.
રાહુલ ભટ્ટની 9 સપ્ટેમ્બર 2020ના રોજ તહેસીલ કચેરીમાં ક્લાર્ક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ હાલમાં પરિવાર સાથે શેખપોરા વિસ્થાપિત કોલોનીમાં રહેતા હતા. તેઓ મૂળ બડગામ જિલ્લાના બીરવાહ વિસ્તારના સંગ્રામપોરાના રહેવાસી હતા.