સામાન્ય વર્ગમાં આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામત આપવા માટે મંગળવારે લોકસભામાં સંશોધન બિલ પાસ થયું. લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.
હવે કેન્દ્ર સરકાર સામે આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવાનો પડકાર છે. રાજ્યસભામાં એનડીએ સરકારની પાસે બહુમત નથી, એવામાં આજે સરકાર ક્યાં પ્રકારે આ બિલને પાસ કરાવે છે એ જોવું રહ્યું.
રાજ્યસભામાં કેવી રીતે પાસ થશે બિલ?
ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં એનડીએ સરકાર બહુમતીથી દૂર છે, જો કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ લોકસભામાં જે પ્રકારે આ બિલનું સમર્થન કર્યું છે. તેનાથી લાગે છે કે સરકાર માટે આ બિલ રાજ્યસભામાં સરળતાથી પાસ થઈ જશે. જણાવી દઈએ કે લોકસભાની જેમ જ રાજ્યસભામાં પણ આ બિલને પાસ કરાવવા માટે બે તૃતિયાંશ કરતા વધારે વોટની જરૂર હશે.
શું કહે છે રાજ્યસભાનું સમીકરણ?
જણાવી દઈએ કે રાજ્યસભામાં અનડીએ સરકાર પાસે બહુમતી કરતા ઘણા ઓછા આંકડા છે. NDAના પક્ષમાં ફક્ત 90 સભ્યો છે, જેમાં BJPના 73, અપક્ષ+નામાંકન 7, શિવસેનાના 3, અકાલી દળના 3, પૂર્વોત્તરની પાર્ટીઓના ત્રણ (બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ+સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ+નાગા પીપલ્સ ફ્રન્ટ) અને આરપીઆઈના 1 સાંસદ છે.
જ્યારે વિપક્ષ પાસે 145 સાંસદ છે, જેમાં કોંગ્રેસના 50, TMCના 13, સમાજવાદી પાર્ટીના 13, AIADMKના 13, BJDના 9, TDPના 6, RJDના 5, CPMના 5, DMKના 4, BSPના 4, NCPના 4, AAPના 3, CPIના 2 , JDSના 1, કેરળ કોંગ્રેસ (મની)ના 1, આઈએનએલડીના 1, આઈયૂએમએલના 1, 1 અપક્ષ અને 1 નામાંકન સભ્યો સામેલ છે.
લોકસભામાં લાંબી ચર્ચા બાદ પાસ થયું બિલ
મંગળવારે લોકસભામાં 5 કલાકથી પણ વધારે ચર્ચા બાદ લોકસભામાં બંધારણ સંશોધન બિલ પાસ થયું. ચર્ચામાં નાણામંત્રી અરૂણ જેટલી, AIMIM અસદ્દુદ્દીન ઓવૈસી, AIDMKના એમ. થંબીદુરઈ સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો. ચર્ચા બાદ થયેલી વોટિંગમાં કુલ 326 સાંસદોએ ભાગ લીધો, તેમાં 323 સાંસદોએ બિલના પક્ષમાં અને 3 લોકોએ વિપક્ષમાં વોટ આપ્યા.