દિલ્હી પોલીસના IFSC યુનિટે એવા લોકો સામે વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા હતા, જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા હતા અને એવી પરિસ્થિતિ ઊભી કરી હતા જેઓ જાહેર શાંતિ જાળવી રાખવા માટે હાનિકારક છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હી પોલીસે જે લોકો વિરુદ્ધ ઉશ્કેરણીજનક સંદેશાઓ દ્વારા નફરત ફેલાવવાનો કેસ નોંધ્યો છે તેમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા, પૂજા શકુનનું નામ સામેલ છે.
ઉશ્કેરણીજનક નિવેદનો બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી સસ્પેન્ડ કરાયેલ પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ મંગળવારે કહ્યું કે, તે પાર્ટીના નિર્ણયને સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે.
પયગંબર મોહમ્મદ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને મુસ્લિમ દેશોના વિરોધને પગલે ભાજપે તેમના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી એકમના સોશિયલ મીડિયાના પ્રમુખ નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
મુસ્લિમ સંગઠનોના વિરોધ અને કુવૈત, કતાર અને ઈરાન જેવા દેશોની તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે ભાજપે તેના નેતાઓને સસ્પેન્ડ કરતા પહેલા રવિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈ પણ ધાર્મિક વ્યક્તિત્વના અપમાનની સખત નિંદા કરે છે.
બીજી બાજુ, પાર્ટીના દિલ્હી એકમના પૂર્વ સોશિયલ મીડિયાના પ્રમુખ નવીન કુમાર જિંદાલે મંગળવારે દાવો કર્યો હતો કે તેમને અને તેમના પરિવારના સભ્યોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જિંદાલે 1 જૂનના રોજ મોહમ્મદ સાહેબ પર વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું, જે બાદ સોશિયલ મીડિયા પર તેમના પર પ્રહારો થઈ રહ્યા છે.