Prophet Muhammad Protest: પયગંબર મોહમ્મદ વિવાદને લઈને દેશભરના ઘણા શહેરોમાં હિંસક પ્રદર્શનો થયા. હવે ઝારખંડના રાંચીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અહીં હિંસક પ્રદર્શનમાં બે લોકોના મૃત્યુ થયા છે. એક રિપોર્ટ મુજબ, બંને પ્રદર્શનકારી છે, જેમનું મૃત્યુ ગોળી વાગવાથી થયું છે. પ્રદર્શન દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ પોલીસની જવાબી કાર્યવાહીમાં આ બે પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા છે.
ગોળી વાગવાથી જેમના મૃત્યુ થયા છે, જેમાંથી એકનું નામ મોહમ્મદ શાહિદ છે. તો આ હિંસામાં ઘાયલ રાંચીના એસએસપી પણ હોસ્પિટલમાં દાખલ છે. તેમની જગ્યાએ ડીએસપી અંશુમને મોરચો સંભાળ્યો છે. જણાવવામાં આવ્યું છે કે, 8 ઈજાગ્રસ્ત પ્રદર્શનકારીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાંચીમાં હિંસક પ્રદર્શન
શુક્રવાર, 10 જૂને ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના નિવેદન પર રોષે ભરાયેલા લોકોએ રાજધાની રાંચીના મુખ્ય માર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું. અહીં અચાનક લોકોની ભીડ એકઠી થવા લાગી અને પ્રદર્શન હિંસક બની ગયું. આ પછી પોલીસે ભીડને વિખેરવા હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો તો ભીડ તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારામાં અનેક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા.
તમને જણાવી દઈએ કે, નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ વિશેના કથિત નિવેદન બાદ દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. શુક્રવારની નમાજ બાદ અનેક શહેરોમાં દેખાવો થયા અને હિંસા થઈ. આ દરમિયાન અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. યુપીમાં ઘણી જગ્યાએ આવા હિંસક પ્રદર્શન જોવા મળ્યા. જેને લઈને અત્યાર સુધીમાં 136 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીની ઓળખ કરવામાં આવી રહી છે. સીએમ યોગીએ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.