જૂનાગઢઃ કેશોદ તાલુકાના માણેકવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ બાગાયતી ખેતી અપનાવી આશરે પાંચ વિઘામાં વિવિધ પાંચ જાતોની બોરડીનું વાવેતર કરી ઓછા ખર્ચે આડત્રીસ વર્ષથી સારૂ ઉત્પાદન મેળવી રહ્યા છે.
ખેડૂતનું કહેવું છે કે, એક વખત બોરડીનું વાવેતર કર્યા બાદ વર્ષો સુધી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી સારૂ વળતર મેળવી શકાય છે. જેથી અન્ય ખેત પેદાશો કરતા સારૂ વળતર મળે છે. ખેડૂતે સુરતીકાંઠા ખારેક, એપલ ચોકલેટ, ગોલાબોર સહિતની બોરડીનું વાવેતર કરેલ છે. જેમાં દર વર્ષે પાંચ વિઘામાં આશરે વીસથી પચ્ચીસ હજારનો ખર્ચ થાય છે. જેની સામે બે લાખથી વધુની આવક થાય છે.
બાગાયતી ખેતી કરતા ખેડૂતે જણાવ્યું કે, દર વર્ષે સરેરાશ ડીસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં બોરનું ઉત્પાદન શરૂ થાય છે. હાલમાં ગોલાબોરનું થોડા દિવસો વહેલું ઉત્પાદન શરૂ થયું છે, જ્યારે અન્ય જાતના બોરનું બે સપ્તાહ બાદ ઉત્પાદન શરૂ થશે.
માણેકવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત દર વર્ષે બોરની ઉપજ ઈજારાથી આપી બે લાખથી વધુની આવક મેળવે છે. જેની સાથે ઈજારેદાર બોરનું છુટક અને હોલસેલ વેચાણ કરી અઢીથી ત્રણ લાખ સુધીની આવક મેળવે છે.
ખેડૂતનું કહેવું છે કે, એપ્રિલ માસમા બોડીની ડાળીઓનું કટીંગ કરવું પડે છે, રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો વધુ પડતો છંટકાવ કરવો પડતો નથી એક વખત વાવેતર કર્યા બાદ વર્ષો સુધી ઉત્પાદન મેળવી શકાય છે. હાલમાં બે જાતના બોરનું ઉત્પાદન શરૂ થયુ છે થોડા દિવસો બાદ અન્ય જાતના બોરનું વેચાણ શરૂ થશે