અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું શીર્ષક બદલવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે તેનું નવું નામ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, કરણી સેના દ્વારા કરવામાં આવેલી જનહિતની અરજી બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતાઓ, YRFએ કરણી સેનાના પ્રમુખને એક સત્તાવાર પત્ર લખીને આ અંગે માહિતી આપી છે.
શું છે સમગ્ર મામલો?
કરણી સેનાનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ રાઘવેન્દ્ર મેહરોત્રાએ પૃથ્વીરાજના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલીને જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કરણી સેનાએ ફિલ્મના નામમાં ફેરફારની માંગણી કરી હતી અને કહ્યું હતું કે ફિલ્મના શીર્ષકને કારણે રાજપૂત સમાજને દુઃખ થયું છે.
જે બાદ અનેક બેઠકો થઈ અને આખરે 27મી મેના રોજ પૃથ્વીરાજના નિર્માતાઓ રાજપૂત સમુદાયની લાગણી અને માંગને ધ્યાનમાં રાખીને ફિલ્મનું નામ પૃથ્વીરાજથી બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરવા સંમત થયા.