તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)એ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કેટી રામારાવ અને મુખ્યમંત્રી કેસીઆર પણ આજે સિન્હાના નામાંકન કાર્યક્રમમાં પણ હાજરી આપશે. જણાવી દઈએ કે, કોંગ્રેસ સહિત 17 વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. એનસીપી સુપ્રીમો શરદ પવાર, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સીપીઆઈ(એમ) નેતા સીતારામ યેચુરી, તૃણમૂલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જી અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓ પણ નોમિનેશન દરમિયાન હાજર રહેશે.
ચૂંટણીમાંથી નામ પરત ખેંચવાનો સવાલ જ નથીઃ યશવંત સિન્હા
એનડીએ ઉમેદવારની સ્પષ્ટ લીડ પર સિન્હાએ દાવો કર્યો કે, તેમને ઘણી અદ્રશ્ય શક્તિઓનું સમર્થન મળશે. તેમણે કહ્યું કે ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચવાનો સવાલ જ ઊભો થતો નથી. અગાઉ તેમણે વચન આપ્યું હતું કે, જો તેઓ ચૂંટણી જીતશે તો ખેડૂતો, કામદારો, બેરોજગાર યુવાનો, મહિલાઓ અને તમામ વર્ગોનો અવાજ ઉઠાવશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે અને મતગણતરી 21 જુલાઈએ થશે.
યશવંત સિન્હાને જીતાડવાનો પ્રયાસ કરો, ગેરમાર્ગે ન દોરોઃ શરદ પવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી દળોએ તેમના ઉમેદવાર યશવંત સિન્હાની જીત સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા પડશે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીના અંકગણિત પર નજર કરીએ તો સ્થિતિ એટલી ખરાબ નથી જેટલી કહેવામાં આવી રહી છે અને વિપક્ષી દળોએ સારી લડાઈ લડવા માટે નક્કર પ્રયાસો કરવા પડશે.
પવારે કહ્યું, “જ્યારે આપણે ચૂંટણી લડીએ છીએ, ત્યારે આપણે જીતવા માટે લડીએ છીએ. જ્યારે બે ઉમેદવારો હોય ત્યારે બંને જીતી શકતા નથી. દરેક ઉમેદવાર માટે પરિસ્થિતિ અલગ છે. તે લડાઇના સિદ્ધાંતો વિશે છે. અમે યશવંત સિંહાને અમારા ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને તેમની જીત સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલું બધું કરવાની અમારી જવાબદારી છે.