President Election: ચૂંટણી પંચે ગુરુવારે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. 18મી જુલાઈએ ચૂંટણી યોજાશે અને 21મી જુલાઈએ મતગણતરી થશે. ઈલેક્ટોરલ કોલેજમાં 4,809 સાંસદો અને ધારાસભ્યો હશે જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આ પહેલા નવા રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી કોઈપણ રાજકીય પક્ષે ટોચના બંધારણીય પદ માટે તેમના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.
રાષ્ટ્રપતિની ચૂંટણી
આજે અમે તમને રાષ્ટ્રપતિ પદ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. રાષ્ટ્રપતિ ભારતના વડા હોવાની સાથે-સાથે ભારતના પ્રથમ નાગરિક પણ હોય છે. ભારતના રાષ્ટ્રપતિ ભારતીય સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ પણ હોય છે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચૂંટણી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવે છે, જેમાં સંસદના બંને ગૃહો, રાજ્યોની વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ ભવન
રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. ભારતનું રાષ્ટ્રપતિ ભવન એ વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્રપતિ ભવન છે. ભારતના રાષ્ટ્રપતિના પગાર અને ભથ્થાઓ ભારતની સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. ચાલો રાષ્ટ્રપતિના પગાર પર એક નજર કરીએ.
ભારતમાં રાષ્ટ્રપતિનો પગાર
ભારતના રાષ્ટ્રપતિનો પગાર દર મહિને 5 લાખ રુપિયા જેટલો હોય છે. ભારતના રાષ્ટ્રપતિને માસિક પગાર ઉપરાંત અનેક ભથ્થાઓ પણ મળે છે. અહીં કેટલાક લાભો જણાવીશું.
આવાસ
રાષ્ટ્રપતિ ભવન એ ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે. નવી દિલ્હીમાં સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં 340 રૂમ અને 2,00,000 ચોરસ ફૂટનો ફ્લોર એરિયા છે.
તબીબી સુવિધાઓ
ભારતના રાષ્ટ્રપતિ જીવનભર મફત તબીબી સેવાઓ માટે હકદાર છે.
સુરક્ષા
ભારતના રાષ્ટ્રપતિ કસ્ટમ-બિલ્ટ બ્લેક મર્સિડીઝ બેન્ઝ S600 (W221) પુલમેન ગાર્ડને હક્કદાર હોય છે. રાષ્ટ્રપતિની પાસે સત્તાવાર યાત્રાઓ માટે શસ્ત્રોથી સજ્જ લાંબી ગાડી લિમોઝિન પણ સાથે હોય છે.
નિવૃત્તિ પછી કેટલું પેન્શન મળે છે?
ભારતના રાષ્ટ્રપતિ નિવૃત્તિ પછી ઘણા ભથ્થા મેળવવા માટે હકદાર હોય છે. નિવૃત્તિ બાદ તેમને દર મહિને 1.5 લાખ રૂપિયા પેન્શન તરીકે મળે છે. તેની સાથે જ રાષ્ટ્રપતિના જીવનસાથીને દર મહિને 30,000 રૂપિયાની સચિવ સહાયતા મળે છે. પેન્શનની સાથે તેમને એક ફર્નિશ્ડ રેન્ટ ફ્રી બંગલો (ટાઈપ VIII) પણ આપવામાં આવે છે. આ સાથે બે ફ્રી લેન્ડલાઈન અને એક મોબાઈલ ફોન આપવામાં આવે છે.
આટલું જ નહીં, નિવૃત્ત થયા પછી તેમને પાંચ ખાનગી કર્મચારીઓ અને સ્ટાફનો ખર્ચ 60,000 રૂપિયાનો પ્રતિ વર્ષ ખર્ચ આપવામાં આવે છે. સાથે જ ટ્રેન કે હવાઈ મુસાફરીમાં એક સાથીની સાથે મફત મુસાફરી પણ આપવામાં આવે છે.