Presidential Election 2022: ચૂંટણી પંચ આજે એટલે કે ગુરુવારે 3 વાગ્યે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત કરશે. દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. ગઈ વખતે 17 જુલાઈ 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.
2017ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 50 ટકા મત NDAની તરફેણમાં પડ્યા હતા. કુલ 4,880 મતદારોમાંથી 4,109 ધારાસભ્યો અને 771 સાંસદોએ મતદાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામાન્ય લોકોની ભાગીદારી નથી હોતી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમાં ભાગ લે છે.
આવી રીતે થાય છે ચૂંટણી
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદોના મતની વેલ્યૂનું ગણિત અલગ છે. સૌથી પહેલા તમામ રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યોના મતોની વેલ્યૂ ઉમેરવામાં આવે છે. આ સામૂહિક વેલ્યૂને રાજ્યસભા અને લોકસભાના કુલ સભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. આવી રીતે જે નંબર મળે છે, તે એક સાંસદના મતની વેલ્યૂ હોય છે.
– દેશમાં કુલ 776 સાંસદો છે (લોકસભા અને રાજ્યસભા સહિત)
– દરેક સાંસદના વોટની વેલ્યૂ 708 હોય છે.
– દેશમાં કુલ 4120 ધારાસભ્યો છે.
– દરેક રાજ્યના ધારાસભ્યના મતની વેલ્યૂ અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યના મતની વેલ્યૂ 208 હોય છે.
ધારાસભ્યના કિસ્સામાં, જે રાજ્યના ધારાસભ્ય હોય, ત્યાંની વસ્તી જોવામાં આવે છે. આ સાથે જે તે રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. વેલ્યૂની ગણતરી કરવા માટે રાજ્યની વસ્તીને કુલ ધારાસભ્યોની સંખ્યા વડે ભાગવામાં આવે છે. આવી રીતે જે નંબર મળે છે, તેને પછી 1000 વડે ભાગવામાં આવે છે. હવે જે આંકડો મળે છે, તે આંકડો તે રાજ્યના એક ધારાસભ્યના મતની વેલ્યૂ હોય છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવવાથી જ વિજય નક્કી થતો નથી. રાષ્ટ્રપતિ તે જ બને છે જે મતદારો એટલે કે સાંસદો અને ધારાસભ્યોના મતોનો કુલ વેટેજનો અડધોથી વધુ ભાગ હાંસિલ કરે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે જે ઇલેક્ટોરલ કોલેજ છે, તેના સભ્યોના મતોનું કુલ વેટેજ 1098882 છે. ઉમેદવારને જીતવા માટે 549441 મત મેળવવાના રહેશે.