Pop Star Justin Bieber Rare Disease: ફેમસ પોપ સ્ટાર જસ્ટિન બીબરનું નામ તો તમે સાંભળ્યું જ હશે, છેલ્લા ઘણા સમયથી તેણે પોતાની સિંગિંગ દ્વારા ઘણી ખ્યાતિ મેળવી છે, પરંતુ હવે તે આ ખતરનાક બીમારીની ઝપેટમાં આવી ગયો છે. બીબરે 11 જૂનના રોજ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે જણાવ્યું કે તેણે આગામી શૉ કેન્સલ કરવો પડ્યો કારણ કે તે રામસે હન્ટ સિન્ડ્રોમ (Ramsay Hunt Syndrome) નામની બીમારીથી પીડિત છે, જેના કારણે તેના અડધા ચહેરા પર પેરાલિસિસ થઈ ગયો છે.
જસ્ટિન બીબરે કર્યો ચોંકાવનારો ખુલાસો
ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કરીને જસ્ટિન બીબરે ફેન્સને જણાવ્યું કે, તે શા માટે તેનો કોન્સર્ટ શૉ કેન્સલ કરી રહ્યો છે. વીડિયોમાં જસ્ટિન કહે છે, ‘તમે મારો ચહેરો જોઈ શકો છો. મને રામસે હંટ સિન્ડ્રોમ (Ramsay Hunt syndrome) નામની બીમારી થઈ છે. મને એક વાયરસના કારણે આ બીમારી થઈ છે, જે મારા કામ અને મારા ચહેરાની નસો પર એટેક કરી રહી છે. જેના કારણે મને મારા ચહેરાની એક બાજુ સંપૂર્ણપણે લકવો થઈ ગયો છે. જેમ તમે જોઈ શકો છો કે મારી એક આંખ ઝબકતી નથી. હું આ બાજુથી હસી પણ શકતો નથી અને આ બાજુ મારું નાક પણ નથી હલતું.’
જસ્ટિન બીબરે વીડિયોમાં આગળ કહ્યું, ‘કેટલાક ચાહકો મારા આગામી શૉને રદ કરવાને લઈને ખૂબ ગુસ્સે હતા. હું આ સમયે સ્ટેજ પર શારીરિક રીતે પરફોર્મ કરી શકું તેમ નથી. આ બધું ખૂબ જ ગંભીર છે. ડોક્ટરોએ તેમને આરામ કરવા જણાવ્યું છે. હું આશા રાખું છું કે તમે મારી સ્થિતિને સમજી શકશો અને હું આ સમય આરામ કરવા માટે લઈશ, જેથી હું 100 ટકા સ્વસ્થ થઈને પાછો સ્ટેજ પર પાછો ફરું.’
જસ્ટિન બીબરને થઈ આ વિચિત્ર બીમારી
જસ્ટિન બીબરને રામસે હન્ટ સિન્ડ્રોમ નામ (Ramsay Hunt Syndrome)ની બીમારી થઈ છે, તે એક ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે, જે એક વેરિસેલા ઝોસ્ટર વાયરસ (Varicella Zoster Virus)ને કારણે થાય છે. આ વાયરસના કારણે હર્પીસ ઝોસ્ટર (Herpes Zoster) અને ચિકન પોક્સ બીમારી થાય છે.
એક દુર્લભ ન્યૂરોલોજીકલ બીમારી છે રામસે હન્ટ સિન્ડ્રોમ
રામસે હન્ટ સિન્ડ્રોમ અથવા આરએચએસ એ એક દુર્લભ ન્યુરોલોજીકલ રોગ છે. આમાં, કાનની આસપાસ, ચહેરા પર અથવા મોં પર પીડાદાયક ફોલ્લીઓ બહાર આવે છે. આ સિવાય દર્દીના ચહેરા પર લકવો પણ થઈ શકે છે. તેનાથી કાનમાં બહેરાશની ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. આ દુર્લભ રોગ ત્યારે થાય છે જ્યારે વેરિસેલા-ઝોસ્ટર વાયરસ માથાની નસને સંક્રમિત કરે છે. આ વાયરસ બાળકોમાં ચિકનપોક્સ અને પુખ્ત વયના લોકોમાં દાદરનું કારણ બને છે.