વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન નવસારી ખાતેથી અનેક મોટા પ્રોજેક્ટના લોકાર્પણ-ખાતમુર્હુત કર્યા હતા. જે પૈકી એસ્ટોલ પ્રોજેક્ટનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું.
આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે.
આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એસ્ટોલ પ્રોજેક્ટ એક મોટી ચમત્કારિક સિદ્ધિ છે. તેના દ્વારા લગભગ 200 માળ (1875 ફીટ)ની ઉંચાઈ સુધી પાણીને ઉપર પહોંચાડીને આ પહાડી વિસ્તારમાં પાણીનું વિતરણ અમે શક્ય બનાવ્યું છે. વડાપ્રધાન દ્વારા તેના ઉદ્ઘાટન પછી ધરમપુર અને કપરાડા વિસ્તારના 174 ગામડાઓમાં રહેતા 4.50 લાખ લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઇ જવાનું છે.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 વર્ષ અગાઉ વલસાડના જૂજવામાં 2018માં યોજાયેલી એક સભામાં આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેના ખાતમુહૂર્ત બાદ 600 કરોડના ખર્ચે યુદ્ધના ધોરણે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટ સરકારના ઇજનેરોએ અનેક પડકારોનો સામનો કરી આ પૂર્ણ કર્યો છે જેની સરકારે પણ નોંધ લીધી છે.
શું છે એસ્ટોલ પ્રોજેક્ટ
મધુબન બંધ (વોટર હોલ્ડિંગ ગ્રોસ કેપેસિટી 567 મિલિયન ક્યુબિક મીટર) ના પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) લોકોના ઘરો સુધી પાણી પહોંચાડવાની યોજના છે.
આ પ્રોજેક્ટ હેઠળ 28 પંપિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમની ક્ષમતા 8 મેગાવોટ વોલ્ટ એમ્પિયર (MVA) છે, જેના દ્વારા દરરોજ લગભગ 7.5 કરોડ લીટર પીવાના પાણીને 4.50 લાખ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત 81 કિમીની પંપિંગ લાઇન, 855 કિમીની ડિસ્ટ્રિબ્યુશન લાઇન અને નાની-નાની વસાહતો સુધી પાણી પહોંચાડવા માટે 340 કિમી લાંબી પાઇપલાઇન બિછાવવામાં આવી છે.
પીવાના શુદ્ધ પાણીને ઉપલબ્ધ કરાવવા માટે બે ફિલ્ટર પ્લાન્ટ (બંનેની દરરોજની 3.3 કરોડ લીટર પાણીની ક્ષમતા) ની સ્થાપના, જેમની કુલ ક્ષમતા પ્રતિદિન 6.6 કરોડ લીટર પાણીની છે.
પાણીનો સંગ્રહ કરવા માટે આ વિસ્તારોમાં 6 ઉંચી ટાંકીઓ (0.47 કરોડ લીટરની ક્ષમતા), 28 અંડરગ્રાઉન્ડ ટાંકીઓ (7.7 કરોડ લીટરની ક્ષમતા) અને ગામડાઓ તેમજ ફળિયાઓમાં જમીન સ્તરની 1202 ટાંકીઓ (4.4 કરોડ લીટરની ક્ષમતા)નું નિર્માણ કરવામાં આવ્યું છે.