કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી રાફેલ ડીલને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. રાહુલે ગુરુવારે પીએમ પર સીબીઆઈ પ્રમુખને હટાવવાની ઉતાવળનો આરોપ લગાવ્યો છે.
રાહુલનું આ ટ્વીટ તેમના જયપુરના ભાષણના એક દિવસ બાદ આવ્યું છે. રાહુલે બુધવારે જયપુરમાં ખેડૂત રેલીમાં કહ્યું હતુ કે ગયા અઠવાડિયે પીએમ મોદી સંસદમાં ચર્ચામાંથી ભાગી ગયા હતા. પીએમએ રાફેલ ડીલ પર પોતાને બચાવવા માટે રક્ષામંત્રી નિર્મલા સીતારમનને સંસદમાં મોકલી દીધા હતા.
રાફેલ પર સંસદમાં ચર્ચાને લઈ રાહુલે કહ્યું, 'છપ્પન ઈંચની છાતીવાળા પ્રધાનમંત્રી મોદી રાફેલ ડીલ પર ચર્ચા દરમિયાન લોકસભામાં નહોતા આવ્યા અને પોતાના બચાવમાં એક મહિલા રક્ષામંત્રીને આગળ કરી દીધા.'
નેશનલ કમીશન ફૉર વિમેન (એનસીડબ્લૂ)એ રાહુલના રક્ષામંત્રીવાળા નિવેદન બાદ તેમના વિરુદ્ધ નોટિસ જાહેર કરી જવાબ માંગ્યો હતો. પોતાના આ નિવેદનના કારણે રાહુલની ટીકાઓ પણ કરવામાં આવી રહી છે. તેમને મહિલા સાથે દ્વેષ કરનારા પણ કહેવામાં આવી રહ્યા છે.