કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો રોડ શો શરૂ થયો. તે ફૈજાબાદના કુમારગંજથી અયોધ્યાના હનુમાનગઢી સુધી 47 કિલોમીટરનો રોડ શો કરી રહ્યા છે. આ દરમિયાન પ્રિયંકાએ જનસભા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ. પ્રિયંકાએ કહ્યું, મોદી, અમેરિકા-ચીન સહિત સમગ્ર દુનિયામાં દરેક જગ્યાએ ફરી આવ્યા, પરંતુ તેમને પોતાના લોકસભા વિસ્તાર વારાણસીમાં જવાનો સમય ન મળ્યો.
પ્રિયંકાએ કહ્યું, 'શું મોદીજી વારાણસીમાં ગામે-ગામ ફરે છે, નહી. પોતાના જ વિસ્તારમાં પ્રધાનમંત્રીજીને સમય નથી મળ્યો કે એક પરિવારને મળે અને તેને ભેટે. આટલો જોરદાર પ્રચાર કરે છે, મેં વિચાર્યું કે કંઈકને કંઈક તો કરતા જ હશે. સ્થિતિ એ છે કે પોતાના જ વિસ્તાર માટે તેમને સમય નથી મળ્યો. આ કોઈ નાની વાત નથી.'
'તમે કોંગ્રેસની સરકાર જોઈ છે. કોંગ્રેસની સરકારે તમને મનરેગા આપી. જ્યારે મનરેગા કોંગ્રેસની સરકારે બનાવી હતી, ત્યારે ઉદ્દેશ હતો કે દરેક પરિવારને 100 દિવસનો રોજગાર મળવાનું નક્કી થાય. મોદીજી આવ્યા તો તેઓએ કહ્યું કે મનરેગા જેવી યોજનાઓ માટે પૈસા નથી.'
'આજે મનરેગામાં જે રોજગાર કરે છે, તેને છ-છ મહિના પૈસા નથી મળતા. આ ભૂલથી નથી થયુ, આ જાણીજોઈને કરવામાં આવી રહ્યું છે. આ એવી સરકાર છે જે તમારો રોજગાર છીનવે છે. કોંગ્રેસે ન્યાય યોજનાની જાહેરાત કરી છે. જ્યારે આ ઘોષણા થઈ તો ભાજપની સરકારે કહ્યું કે આ બધા ચૂંટણીલક્ષી જુમલા છે. દેશમાં તેના માટે પૈસા નથી.'
'જ્યારે ઉદ્યોગપતિઓના ઋણ માફ કરવાના હતા, ત્યારે આ જ સરકારને 317 હજાર કરોડ રૂ. મળી ગયા. ખેડૂતો માટે ઋણ માફી, ગરીબો માટે ન્યાય યોજનાની કોંગ્રેસની વાત પર તેઓ કહે છે કે પૈસા નથી.'