ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત દેશના ઘણા વિસ્તારોમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 41 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે દર્જનો ઘાયલ થયા છે. પ્રાકૃતિક આપદાના આ સમયમાં રાજકારણ પણ ગરમાયુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ઘાયલો માટે દુઃખ વ્યક્ત કર્યું અને વળતરની પણ જાહેરાત કરી. પરંતુ તેઓએ એવુ ફક્ત ગુજરાત માટે કર્યું. હવે આ મામલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે નિશાન સાધ્યુ છે અને કહ્યું છે કે તમે ગુજરાત નહીં આખા દેશના પ્રધાનમંત્રી છો.
પ્રધાનમંત્રીએ શું ટ્વીટ કર્યું ?
હકીકતમાં, બુધવારે સવારે જેવી પ્રાકૃતિક આપત્તિની ખબરો આવી તો દરેક લોકોને ચિંતા થઈ. તેની થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ આવ્યુ, તેઓએ પોતાના ટ્વીટર હેન્ડલ @narendramodi પરથી નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું. પીએમએ લખ્યુ કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં તોફાન-વાવાઝોડાના કારણે નુકસાનથી ઘણો દુઃખી છું. તમામ લોકોના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે.
પ્રધાનમંત્રીના ટ્વીટ ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વીટર હેન્ડલ @pmoindiaથી વળતરની જાહેરાત કરવામાં આવી. અહીંથી ટ્વીટ કરવામાં આવ્યુ કે ગુજરાતમાં જે લોકોના વાવાઝોડા-તોફાનના કારણે મોત થયુ છે, તેમ તમામના પરિવારોને બે લાખનું વળતર અને જે લોકો ઘાયલ થયા છે તે તમામને 50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.
જો કે, આ મુદ્દે વિવાદ થયા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અન્ય રાજ્યો માટે પણ વળતરની જાહેરાત કરવામાં આવી છે. સવારે લગભગ 11 વાગ્યે pmo તરફથી ટ્વીટ આવ્યુ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મણીપુર સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા-વરસાદના કારણે થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કરુ છું. અહીં પણ મૃતકોના પરિવારોને 2 લાખ, ઘાયલોને 50 હજારની મદદ કરવામાં આવશે.