સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના લીધે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં જામનગર જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી જાણે કહેર વર્તાવ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં હતા.
નદીના પાણી કિનારા છોડીને ગામના રસ્તાઓ પર વહી હતી. જામનગર શહેરથી 20 કિલોમીટરના અંતરે આવેલા અલિયા અને બાડા ગામમાં પણ વરસાદે તારાજી સર્જી છે. જેમાં પણ સૌથી વધારે તારાજી બાડા ગામમાં થઈ છે.
આ ઉપરાંત ધુતારપર, ધુડશીયા તેમજ જામનગરના મોડા, ખીમરાણા, ધુંવાસ સહિતના ગામોમાં પુરના પાણી ઘુસતા જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. જામનગર જિલ્લામાં સર્જાયેલી કુદરતી આફતની કેટલીક તસવીરો પણ સામે આવી છે. અહીં ચોતરફ પાણીની વચ્ચે ગ્રામજનોએ રાત વિતાવી હતી.
ગામમાં પાણી ઘુસી જતા મોટી સંખ્યામાં પશુઓના મૃત્યુ થયાના પણ અહેવાલ સામે આવ્યા છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. બીજી તરફ લોકોની ઘરવખરી, તેમજ ખેતરમાં રાખેલા ઓજારો અને સામગ્રી પણ વરસાદના પાણીમાં વહી ગયા છે. કાચા મકાનો પડી જવાથી અંદર રહેલી સામગ્રી પણ દબાઈ ગઈ છે.
જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં હાલ એનડીઆરએફ, સ્થાનિક પોલીસ, વહિવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરી દેવામાં આવી છે.