Britain Platinum Jubilee pageant Of Queen Elizabeth II: બ્રિટનમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનના 70 વર્ષ પૂર્ણ થતાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. આ ખાસ અવસર પર જ્યારે બ્રિટનના રસ્તા પર એક સોનાનો રથ દોડ્યો તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. 260 વર્ષ જૂનો એ જ સોનાનો રથ છે જેમાં યુવા મહારાણીએ 1953માં તેમના રાજ્યાભિષેકના દિવસે પ્રથમ વખત બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર એબી સુધીની મુસાફરી કરી હતી. ગોલ્ડ સ્ટેટ કોચ નામના રથે રવિવારે લંડનમાં પ્લેટિનમ જ્યુબિલી પરેડનું નેતૃત્વ કર્યું.
ઈંગ્લેન્ડની રાજગાદી પર બિરાજમાન મહારાણી એલિઝાબેથ દ્વિતીયના 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર તેમના સન્માનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મહારાણીની પ્લેટિનમ જ્યુબિલી સમારોહના અવસર પર યોજાયેલા ચાર-દિવસીય જલસાના બીજા દિવસે ‘થેંક્સગિવિંગ’ સેવા થઈ હતી. આ સંબંધમાં મહારાણીનો આ ખાસ સુવર્ણ રથ વીસ વર્ષ પછી રસ્તાઓ પર ઉતર્યો.
તેની વિશેષતા વિશે વાત કરીએ તો ચાર ટન વજનનો રથ 7 મીટર લાંબો અને 3.6 મીટર ઊંચો છે. જેને 8 ઘોડાની મદદથી ખેંચવામાં આવે છે. આ ભવ્ય રથ પર સોનાના ઓછામાં ઓછા સાત સ્તરો લગાવવામાં આવ્યા છે. આ ખાસ રથ કિંગ જ્યોર્જ (III)ના આર્કિટેક્ચરલ સલાહકાર સર વિલિયમ ચેમ્બર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને સેમ્યુઅલ બટલર દ્વારા બનાવવામાં આવ્યો હતો.
આ રથ વિશે વધુમાં વાત કરીએ તો આ ખાસ વીવીઆઈપી રથ લાકડાનો બનેલો છે, જેના પર સોનાનું વરખ ચઢાવેલું છે. આ સુવર્ણ રથ દેખાવમાં પરીકથા જેવો છે. શાહી રથ એ ઐતિહાસિક કલાનું જીવંત ઉદાહરણ છે. ગોલ્ડ સ્ટેટ કોચ બહારથી જેટલો સુંદર છે, તેટલો જ સુંદર તેનું ઈન્ટિરિયર પણ છે.