પાછલા મહિનામાં દેશમાં પેગાસસ કેસ સતત ચર્ચાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે એક સોગંદનામું પણ દાખલ કર્યું, જેમાં તપાસ માટે નિષ્ણાતોની સમિતિ બનાવવાની વાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પેગાસસ કેસમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્રએ જાસુસી કરાતી હોવાના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, કેન્દ્ર આ મામલે નિષ્ણાતોની સમિતિની રચના કરશે, જે તમામ પાસાઓ પર નજર રાખશે. કેન્દ્રએ સોગંદનામામાં કહ્યું છે કે પેગાસસ જાસૂસી કેસમાં કેન્દ્ર પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. મીડિયાના અહેવાલો પર આધારિત આરોપ છે.
સોગંદનામામાં કેન્દ્રએ કહ્યું કે માહિતી ટેકનોલોજી પ્રધાને સંસદમાં પેગાસસ કેસમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. હકીકતમાં, એક આંતરરાષ્ટ્રીય મીડિયા એસોસિએશને દાવો કર્યો હતો કે 300થી વધુ ભારતીયોના મોબાઇલ ફોન નંબરો ઇઝરાયેલી કંપની NSO ના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને સર્વેલન્સની સંભવિત યાદીમાં હતા. આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં પેગાસસ કેસની ફરી સુનાવણી થઈ.
જેમાં સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સરકાર વતી આ બાબતે સોગંદનામું પણ દાખલ કરવામાં આવ્યું છે. CJI એ કેન્દ્રને કહ્યું કે તે આ મામલે કેન્દ્રની બાજુ પણ સાંભળશે. આપને જણાવી દઈએ કે પેગાસસ કેસને લઈને સતત દેશમાં હંગામાનો માહોલ છે. એક તરફ વિપક્ષ સરકાર પર સતત આરોપ લગાવી રહ્યું છે તો બીજી તરફ સરકાર જાસૂસી મુદ્દે કંઈ સાંભળવા તૈયાર નથી. સંસસનું ચોમાસુ સત્ર પણ આ મુદ્દે તોફાની રહ્યું. હવે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં સરકાર શું પગલા ભરે છે?